Connect Gujarat
દેશ

બેંક લોનનાં આર્થિક સંકટમાં ઘેરાયેલા લોકો માટે સરકાર કાયદો ઘડશે

બેંક લોનનાં આર્થિક સંકટમાં ઘેરાયેલા લોકો માટે સરકાર કાયદો ઘડશે
X

આર્થિક સંકટમાં ફસાવાથી નાદાર થયેલા લોકોને બેંકો હેરાન ન કરે અને તેઓ કરજ ધીરે ધીરે પાછું ભરી શકે તે માટે સરકાર સંબંધિત કાયદો ઘડી રહી હોવાનું જાણવા મળ્યુ છે.

કરજના બોજ હેઠળ દબાયેલા ખેડૂતો, કરિયાણાવાળા, કે અન્ય દુકાનદારો, મધ્યમ વર્ગના નોકરિયાતો જો નોકરી ગુમાવાથી અથવા ધંધામાંથી અન્ય નુક્શાનીને લીધે લોન એક સાથે ચૂકવી શકતા ન હોય તો તે ટુકડે ટુકડે કે સરળ હપ્તાથી કરજની રકમ પરત કરી શકે એ માટે કાયદો ઘડવામાં આવશે.

નાદારીને લગતા કાયદાના નિષ્ણાંત સુમંત બત્રાએ જણાવ્યુ હતુ કે આપણા દેશમાં નાદારી સામાજિક કલંક ગણાય છે. નાદાર વ્યક્તિને આકરો દંડ કરવાને બદલે કરજ સરળ હપ્તે પાછું ચૂકવવા વ્યવસ્થા કરી આપવી જોઈએ.

વધુમાં તેઓએ વ્યક્તિગત નાદારીને લગતા કાયદા ઘણા સમયથી છે, પરંતુ સત્તાવાળાઓને તેના અમલમાં ખચકાટ થતો હતો. વ્યક્તિગત નાદારીની બાબત મોટા ભાગે જિલ્લા ન્યાયાધીશના કાર્યક્ષેત્રમાં આવે છે. હાલમાં બેંકો વ્યક્તિગત નાદારીનાં કિસ્સામાં સિક્યૂટરાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સનો સંપર્ક કરે છે.

સંસદ દ્વારા ગયા વર્ષે પસાર કરાયેલા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં નાદારીને લગતી ઘણી સુધારિત જોગવાઈ હોવા છતાં તેનો અમલ હાલમાં કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સ સુધી મર્યાદિત છે.

કોર્પોરેટ બાબતોને લગતા મંત્રાલય અને નાદારીને લગતી સમિતિએ વ્યક્તિગત અને ભાગીદારીની પેઢીની નાદારીના કાયદામાં સુધારા કરવા ચર્ચાવિચારણા શરૂ કરી છે.કાર્યકારી જૂથ સિંગાપોરની જેમ કાઉન્સેલિંગ ફરજીયાત બનાવવા સહિતના વિવિધ પાસા તપાસી રહ્યુ છે.

Next Story