Connect Gujarat
દેશ

તહેવારમાં સિંગતેલના ભાવમાં થશે ઘટાડો

તહેવારમાં સિંગતેલના ભાવમાં થશે ઘટાડો
X

ગુજરાતમાં તહેવારો દરમિયાન સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. મગફળીના સ્ટોકિસ્ટો દ્વારા વેચવાલી વધતા અને સરકાર દ્વારા પણ નીચા ભાવથી વેચાણ થઈ રહ્યુ હોવાથી સિંગતેલના ભાવ છેલ્લા એક પખવાડિયામાં ડબ્બે રુ.50 ઘટ્યા બાદ આગામી દિવસોમાં ભાવ હજી પણ ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં સિંગતેલના નવા ડબ્બાના 15 કિલોના ભાવ પખવાડિયા પહેલા રૂપિયા 1590 થી 1610 હતા, જે ઘટીને હાલ રૂપિયા 1540 થી 1550ની સપાટીએ પહોંચ્યા છે. નવી સીઝનમાં મગફળીના પાકનું ચિત્ર સારું હોવાથી સ્ટોકિસ્ટોની વેચવાલી વધી છે. બીજી તરફ સરકારી એજન્સીઓએ રૂપિયા 4220 પ્રતિ કવીન્ટલમાં ખરીદેલી મગફળી હાલ રૂ.3400ના ભાવથી વેચાણ કરી રહી છે. વળી આ મગફળી માત્ર સિંગતેલ બનાવવા માટે જ ચાલે તેમ હોવાથી ભાવ ઝડપ થી ઘટવા લાગ્યા છે.

સિંગદાણાની નિકાસ પણ ઘટી હોવાથી તેના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં ટને રૂ 8 થી 9 હજાર ઘટીને હાલ પ્રતિ ટન રૂ 55,000 થી 57,000ની વચ્ચે ભાવ અથડાય રહ્યા છે. સરકારી આંકડાઓ પ્રમાણે દેશમાંથી એપ્રિલથી જુન ક્વાર્ટર દરમિયાન સીંગદાણાની કુલ 89643 ટનની નિકાસ થઈ હતી. ત્રિમાસિક ગાળામાં નિકાસ 43 ટકા ઘટી ગઈ છે.

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર ખેડૂતો પાસે હજી પણ ગત સીઝનની મગફળી પડી છે અને હવે સરકાર દ્વારા નીચા ભાવથી વેચાણ શરુ થયુ હોવાથી ભાવ તૂટી ગયા છે. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખાદ્યતેલ આયાત ઉપર કોઈ નિયંત્રણો મૂકવા જોઈએ તેમજ કેન્દ્રીય કૃષિ પ્રધાનને આ સંદર્ભમાં સોરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશન દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો છે.

Next Story