Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં દેશ અને ધર્મ ભક્તિની એકતાના દર્શન થશે

અંકલેશ્વરમાં દેશ અને ધર્મ ભક્તિની એકતાના દર્શન થશે
X

અંકલેશ્વરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિનનાં વધામણાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સાથે 50 થી વધુ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જોડાયને વિવિધ વેશભૂષા ધારણ કરીને એકતા અખંડતાનાં દર્શન કરાવશે.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પાંચમાં વર્ષે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જન્માષ્ટમી પર્વ લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને જીઆઇડીસી કોલોનીને નટખટ કાનુડાના જન્મના વધામણાં માટે રસ્તા પર ના ડિવાઈડર પર, સર્કલો પર વિવિધ રંગબેરંગી તોરણો બાંધીને નયનરમ્ય સજાવટ કરવામાં આવી છે.ખાસ કરીને ગોકુળ આઠમ 15 ઓગષ્ટના દિવસે છે. તેથી સ્વાતંત્ર પર્વ નિમિત્તે દેશભક્તિની સાથે કૃષ્ણ ભક્તિનાં દર્શન પણ થશે. કોલોનીમાં બાંધવામાં આવેલા તોરણો અને સુશોભન માટેનાં પડદા પણ તિરંગા રંગના બાંધવામાં આવ્યા છે. જેના કારણે જીઆઇડીસી નગરીનું રૂપ નિખરી ઉઠયું છે.

તા-15મી ઓગષ્ટ શ્રાવણ વદ આઠમનાં બપોરના બે કલાકે સુંદર સુશોભિત રથમાં ભગવાનની ભક્તિમય શોભાયાત્રા સરદાર ભવન ખાતેથી કાઢવામાં આવશે, અને આ ધર્મયાત્રા સરદાર પાર્ક, સ્વામિનારાયણ મંદિર, માનવ મંદિર, શ્રી ગોવર્ધન નાથજી હવેલી, ગટ્ટુ ચોકડી બાદ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે અને ત્યાર બાદ શોભાયાત્રા પશુપતિનાથ મહાદેવ મંદિર, જલધારા ચોકડી ખાતેથી સરદાર ભવન પર પરત ફરીને યાત્રાનું સમાપન થશે.

આ અંગે માહિતી આપતા કિશોરભાઈ સુતરિયાએ જણાવ્યુ હતુ કે શ્રી સરદાર પટેલ સેવાસમાજ ટ્રસ્ટ સાથે ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓ મળીને 50 થી વધુ સંસ્થાઓ જન્માષ્ટમી ઉત્સવમાં જોડાશે. અને વિવિધ સમાજના લોકો પોતાના સમાજની ઓળખ સમી વેશભુષા ધારણ કરીને રથયાત્રામાં જોડાયને એકતા અને અખંડતાના દર્શન કરાવશે. તેમજ રથયાત્રાના રૂટ ઉપર સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નાસ્તા પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.

Next Story