Connect Gujarat
ગુજરાત

વડોદરામાં સૌથી ઉંચા રાષ્ટ્ર ધ્વજનું લોકાર્પણ કરતા સીએમ વિજય રૂપાણી

વડોદરામાં સૌથી ઉંચા રાષ્ટ્ર ધ્વજનું લોકાર્પણ કરતા સીએમ વિજય રૂપાણી
X

ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યનાં સૌથી ઉંચા 67 મીટરનાં રાષ્ટ્ર ધ્વજનું લોકાર્પણ કર્યું હતુ. શહેરનાં સમા તળાવ પાસે બનાવવામાં આવેલા ફ્લેગ ગાર્ડનમાં લહેરાવવામાં આવેલા રાષ્ટ્ર ધ્વજને નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત ગુજરાતનું પ્રથમ રૂફ ટોપ સોલાર સિસ્ટમ સાથેના અત્યાધુનિક હરણી પોલીસ મથકનું ઉદ્દઘાટન પણ સીએમએ કર્યું હતુ.

વડોદરા શહેરના હરણી હનુમાનજી મંદિર પાસે રૂપિયા 133.50 લાખના ખર્ચે બનાવવામાં આવેલા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હરણી પોલીસ મથકના ઉદ્દઘાટન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે ચોટલીકાંડ બોગસ અને મહિલાઓ દ્વારા ઉપજાવી નાંખેલી વાત હોવાનું જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યું હતુ કે, હવે ચોટલા કાપી નાંખવાની વાત સામે આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઇન ફ્લુ અંગે જણાવ્યુ કે, સરકાર આ જીવલેણ રોગ સામે ચિંતિત છે. સ્વાઇન ફ્લુને કાબુમાં લેવા માટે તબીબોની ટીમો કાર્યરત છે. આ સાથે સરકારનું આરોગ્ય વિભાગ પણ સ્વાઇન ફ્લુ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાતની તમામ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતનો સૌથી મોટો 67 મિટર ઉંચો રાષ્ટ્ર ધ્વજ વડોદરામાં બનાવવામાં આવ્યો છે. જે માત્ર વડોદરાનું જ નહિં પરંતુ, સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ રાષ્ટ્ર ધ્વજ શહેરનું એક નજરાણું બની રહેશે. વડોદરાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે. ત્યારે આ ફ્લેગ વડોદરાની સુંદરતા અને સંસ્કૃતિમાં ઉમેરો કરશે.

ઉલ્લેખનિય છે કે, શહેરના હરણી ખાતે બનાવવામાં આવેલા અત્યાધુનિક પોલીસ મથકમાં આધુનિક કામગીરી માટે ફોટો સ્ટુડીયો, સી.સી.ટી.વી. મોનીટરીંગ કંટ્રોલ રૂમ, સેન્ટ્રલ રેકર્ડ કીપીંગ, કુશલ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કર્મચારીઓના તમામ ઇ-ડેટા સાથેનું કિઓસ્ક, સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Harni police station

Next Story