Connect Gujarat
ગુજરાત

ડાંગે માર્યા પાણી જુદા ન થાય: વજુભાઇ વાળા

ડાંગે માર્યા પાણી જુદા ન થાય: વજુભાઇ વાળા
X

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન શંકરસિંહ વાઘેલાનાં જુથના ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા હતા. જ્યારે બાપુએ પણ તાજેતરમાંજ MLA પદ પરથી રાજીનામુ આપીને કોંગ્રેસ સાથેનું જોડાણ સંપૂર્ણ પણે તોડી નાખ્યું હતુ.

ગુજરાતનાં રાજકારણમાં સર્જાયેલી જોડ તોડની નીતિ બાદ હાલમાં કર્ણાટકનાં રાજ્યપાલ અને પૂર્વ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ વજુભાઇ વાળાનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે.

વજુભાઇ વાળા જ્યારે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ હતા ત્યારે તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેઓની વિદાય માટે ગૃહને સંબોધન કર્યુ હતુ. અને ત્યારે કરેલી ભવિષ્યવાણી લગભગ સાચી પડી રહી હોવાનું ફલિત થઇ રહ્યુ છે.

વજુભાઇએ સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે નરેન્દ્રભાઈ મોદી અને શંકરસિંહ બંને સંધના સ્વયં સેવકો છે, એકજ વિચારધારાનાં વ્યક્તિઓ છે. મગની બે ફાળ જુદી હોય પણ તેમાં ગુણતો મગનાં જ હોય છે. અને કાઠિયાવાડી કહેવત અનુસાર ડાંગે માર્યા પાણી જુદા ન થાય. આજે નહિ તો કાલે ભેગા થશે જ.

વજુભાઇ વાળાની આ ભવિષ્યવાણી વર્તમાન સમયમાં સાચી ઠરશે, તેમ કહેવામાં આવી રહ્યુ છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરીને તેઓએ પક્ષ અને ધારાસભ્યનાં પદ પરથી રાજીનામુ આપ્યુ છે, જોકે તેઓએ રાજકીય પક્ષમાં જોડાવા અંગે કોઈ જ ચોખવટ કરી નથી, પરંતુ અંતમાં બાપુ પોતાનાં મુળ ગોત્ર ભાજપમાં જ પરત ફરશે તેવી શક્યતાઓ પ્રબળ દેખાય રહી છે.

Next Story