Connect Gujarat
ગુજરાત

વડોદરા ડો.બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિ

વડોદરા ડો.બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિ
X

બૌધી સત્વ ભારત રત્ન ભીંમરાવ આંબેડકરના જીવનમાં ચાર ભૂમિ સ્થળનું અધિક મહત્વ છે. પ્રથમ તેમની જન્મભૂમિ મહુ (મઉ) છાવણી (મધ્યપ્રદેશ) બીજી સંકલ્પ ભૂમિ વડોદરા (દિક્ષા ભૂમિ નાગપુરની જનની) ત્રીજી દિક્ષા ભૂમિ નાગપુર (મહારાષ્ટ્ર) અને ચોથી એટલે કે છેલ્લી ભૂમિ ચૈત્ય ભૂમિ દાદર (મુંબઇ). આમાં સંકલ્પ ભૂમિ છોડીને ત્રણ ભૂમિ વિશે અને બાબાસાહેબ વિશે સાહિત્યો અને પુસ્તકોમાં વાંચવા મળશે, પરંતુ સંકલ્પ ભૂમિ વડોદરા (ગુજરાત) વિશે ઘણાં ઓછાં લોકો જાણે છે.

બાબાસાહેબે 21 વર્ષની ઉંમરમાં બી.એ.ની પદવી પાસ કરી વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિની માંગણી માટે વિનંતી કરી. વિનંતી પછી સર સયાજીરાવે તા.15 જૂન 1916 સુધી ત્રણ વર્ષ માટે દર માસે 11.50 પાઉન્ડ શિષ્યવૃત્તિ મંજુર કરી તેમની સાથે એવો કરાર પણ કર્યો કે શિક્ષણ પુરૂ થયે તેમણે 10 વર્ષ વડોદરા રાજ્યમાં નોકરી કરવી. અંતમાં એક વર્ષ માટે શિષ્યવૃત્તિ વધારામાં પણ આપી, એટલે કે તા.15 જુન 1916 થી તા.14 જુન 1917 સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવી. તેઓએ સૈનિક સચિવની પદવી પર સેવા આપવાની હતી.

સેવા દરમિયાન કાર્યાલયમાં તેમની સાથે સારો વ્યવહાર કરવામાં નહોતો આવતો, પટાવાળો પણ તેમના ટેબલ ઉપર દુરથી ફેંકતો હતો, મહાન નગરી (વડોદરા)માં તેમને રહેવા માટે મકાન પણ ન મળ્યું, તો એક પારસી ધર્મશાળામાં તેઓ એક દિવસના 2 રૂપિયા ભાડું આપી રહેવા લાગ્યા. અહિંયા તેઓને ડગલે ને પગલે અપમાનિત થવું પડતું હતું.

વડોદરા નગરમાં એવી વાત ફેલાઇ ગઇ હતી કે, મહારાજા એક શિક્ષિત મહાર (અછુત) વ્યક્તિને નાણામંત્રીની પદવી આપી રહ્યા છે. આનાથી બધા અધિકારીઓ અને કર્મચારીઓ સ્તબ્ધ થઇ ગયા અને વિચારવા લાગ્યા કે આપણા ઉપર એક અછુત વ્યક્તિને ઉપરી અધિકારી તરીકે મુકવામાં આવશે. આથી ક્રોધે ભરાઇને તા.23 સપ્ટેમ્બર 1917ના રોજ પંદરથી વીસ સમાજ દ્રોહિઓએ લાકડીઓં લઇ ચારે બાજુથી ધર્મશાળાનો ઘેરાવ કર્યો અને બાબાસાહેબનો અભદ્ર વ્યવહાર કર્યો. તેમને આઠ કલાકમાં ધર્મશાળા. ખાલી કરવા કહ્યું અને બાબા સાહેબનો સામાન ધર્મશાળાની બહાર ફેંકી દીધો.

આ પ્રમાણે ભયંકર સામાજિક વિષમતાઓ, અસ્પૃષ્યતા તથા ઉંચ-નીચના કારણે બાબાસાહેબે અપમાનિત થઇ તથા નિરાશ થઇ રાજીનામું આપવાનો નિર્ણય લીધો.

મુંબઇ જવા માટે રેલગાડી લગભગ 4 થી 5 કલાક મોડી હોવાથી બાબાસાહેબે આ સમય (તા 23-9-1917) એક સુરક્ષિત તથા એકાંત જેવી જગ્યા સયાજીબાગ (કમાટીબાગ) વડોદરામાં એક વડના ઝાડ નીચે વિતાવ્યો, ત્યાં બેસી તેઓએ ચિંતન કર્યુ કે આ અસમાનતા અને કુટના કારણે જ અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવી રાખ્યો છે. તેમના મનમાં એ પણ આવ્યું કે, જો હું આટલો ભણેલો છું છ્તાં પણ મારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો મારા કરોડો ગરીબ ભાઇઓ જે ભણ્યા નથી તેમણે આવા શોષણને કારણે તેમની સ્થિતી કેવી હશે? આ સમયે તેમનું મન દ્રવિત થઇ ગયું. અને ચિંતન અને મનન પછી બાબાસાહેબે સંકલ્પ કર્યો કે, આ વ્યવસ્થાને હું બદલી નાખીશ, જેને કારણે આ દેશ ગુલામ છે અને જે શોષિત સમાજ છે, જેને સદીયોથી સતાવવામાં આવી રહ્યો છે, તેના ઉત્થાન અને તેમની મુક્તિ માટે જીવનભર કાર્ય કરીશ. સામાજિક વિષમતાને દુર કરવા જીવન ભર સંઘર્ષ કરતો રહીંશ.

લગભગ 160 વર્ષ જુનું એ સંકલ્પ વૃક્ષ “'.(વડનું ઝાડ) આજે પણ સયાજી (કમાટીબાગામાં છે, જે ભૂમિ પર વડના ઝાડ નીચે બેસી બાબાસાહેબે સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પભૂમિનું નામકરણ તા.14-04-2006નાં રોજ વિશાળ જનસમુહની હાજરીમાં વડોદરાના માનનીય મેયર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

સંકલ્પભૂમિનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે આ ભૂમિ પર કરેલું ચિંતન અને સંકલ્પને કારણે જ એક મહાન આદર્શ ભારતીય બંધારણ, જે સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા સર્વ શ્રેષ્ઠ માનવામાં આવ્યું અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે, જેનો જન્મ થયો.

Next Story