Connect Gujarat
બ્લોગ

અંબે માતા કી જય

અંબે માતા કી જય
X

ગરબો બ્રહ્માંડનું પ્રતિક છે ગરબામાં ૨૭ છિદ્ર હોય છે નવ નવની હરોળમાં ત્રણ લાઈનમાં એટલે ૨૭ છિદ્ર ૨૭ નક્ષત્ર છે.

એક નક્ષત્ર ને ચાર ચરણ એટલે ૨૭ x ૪ = ૧૦૮ નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી અથવા ધુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે ગરબા રમવાનું મહાત્મ્ય આ છે.

લગભગ બધાજ સ્માર્ટફોન ધારકોને વોટ્સએપ પર આ મેસેજ મળ્યો હશે.

જ્યાં શેરી ગરબા ગવાય છે, ત્યાં ‘મા એ પહેલે પગથિયે પગ મૂક્યો’ ગરબો અચૂક કાને પડે. ગરબાના શબ્દો પર ધ્યાન આપશો તો શેરી, પોળ, ચપટી, ચોખા, ઘીનો દીવડો, શબ્દો સંભાળ્યા હશે.

આજે લોકગીત ‘મન મોર બની થનગનાટ કરે ભાઈ’! ગરબા સ્વરૂપે ગવાડાય છે. સ્વર્ગમાં રાષ્ટ્રીય શાયર મેઘાણી અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો આત્મા કકળતો હશે.

ગરબો ગુજરાતની ઓળખ છે. વિશ્વભરમાં વાઈરલ ફેલાયો છે. જ્યાં ગુજરાતી ત્યાં નવરાત્રી ઉત્સવ મનાવાય બે તાળી, ત્રણ તાળીના ગરબાને કેશલેસનો અજગર ભરડો ગળી ગયો. તાળીલેશ ગરબા થઇ ગયા. પલાઠીવાળીને ગરબો ગવડાવનાર ગાયકો હવે ઊભા રહીને ગરબો ગવડાવે જેથી ગરબે ઘુમનાર સાથે આય કોન્ટેક્ટ અને એમની બોડી લેન્ગવેજ સમજીને સૂર, લય અને તાલની એક્સ્ટ્રા ઈફેક્ટ આપી શકાય.થ્રી-ડી ગરબાના યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ.

ગુજરાતી સાહિત્યના એક પણ સર્જકને એવી પ્રેરણા ન મળી કે લાવ ગરબો લખું જે ગાઈ શકાય એવો ગરબો જેના શબ્દોમાં પોળને બદલે સોસાયટી,ટાઉનશીપ, એપાર્ટમેન્ટ, હાઈરાઇડ્સ બિલ્ડીંગ, જેવા શબ્દો આવે,દીવડો,દીવી શબ્દોને બદલે બલ્બ,ટ્યુબલાઈટ, નિયોન લાઈટ,એલ.ઈ.ડી.આવે ! પટોળાને બદલે જીન્સ અને ટોપ આવે અને બીજું બધું આવે જે આજે ટીનેજર્સમાં પોપ્યુલર છે.

‘ભણે શિવાનંદ સ્વામી’ વાળી આરતીમાં જગદંબાની બીજી કોઈ આરતી જ સર્જાય નહી ? સર્જકો જાગો! નવોદિત સર્જકો આ ક્ષેત્રેમાં મેદાન મોકળું છે.ઝાઝી સ્પર્ધા નથી લખો, ગાવો, લયબધ્ધ કરો અને યુ ટ્યુબ પર મુકો એટલે ફોલોઅર્સ મળશે જ!

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો એક જમાનો હતો શિવરંજની ગ્રૂપના પ્રણેતા માતંગીબહેન અને ધીમંતભાઈ ઓઝા નર્મદાનગર ટાઉનશીપમાં કીડીયારૂ ઉભરાવતા.

સિધ્ધનાથ નગર લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડ અને વૃંદ ગરબા ધૂમ મચાવતું માનનીય હર્ષાબહેન વૈદ્ય ગરબાનો પર્યાય કહેવાય.

સુકેતુભાઇ ઠાકર,દીપક દશાડિયા, દેવેશ દવે, પહાડી અવાજનો શહેનશાહ નરેન્દ્ર ટેલર આ બધાજ જ્યાં હોય ત્યાં નવલી નવરાત્રી સોળે કળાએ ખીલી જ ઊઠે.

ચાર રસ્તા, વેજલપુર વાણીયાવાડ, ફાટાતલાવ, હાજીખાના બજાર, અંકલેશ્વર નગરમાં ગુંજ ગરબા એ તથા જી.આઈ.ડી.સી.માં માનવ મંદિર, રોટરી-અંકલેશ્વર, લાયન્સ-અંકલેશ્વરના ગરબાએ ખેલૈયાઓને ઘેલું લગાવ્યું ‘ગાર્ડન સીટી’ના ગરબામાં ફાલ્ગુની પાઠકે શ્રી ગણેશ કરેલા-ઐશ્વર્યા મજમુદાર અને આ વર્ષે લોકગાયક કીર્તિદાન ગઢવી ઘૂમ મચાવી રહ્યા છે. ઝાડેશ્વરમાં જયેશભાઈ પટેલ આયોજીત ગરબામાં માનવ મહેરામણ ઉમટે છે. આજે પણ જે મુગ્ધાવસ્થાને ઉંમરે પહોંચેલી વ્હાલી લાડલી સ્કુટી વગર સોસાયટીમાં પણ પદયાત્રા ના કરતી હોય એ ગરબે ધૂમે ત્યારે ઓછામાં ઓછા પાંચ સાત, દસ કિલોમીટરનું અંતર અંગમરોડ સાથે કાપી નાંખે! કયાંથી આટલી ઉર્જા આવતી હશે મા અંબાની કૃપાનું પરિણામ અંબે માતા કી જય હો!

Next Story