દેશની સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં આજથી એક નવા યુગની શરૂઆત થઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ વિધિવત રીતે કાર્યભાર સાંભળતા દેશભરનાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

દિલ્હીનાં 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં તેમની તાજપોશીને લઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને તેમની માતા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહ્યા હતા. આ સમયે પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસનાં તમામ મોટા નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે સંબોધન કરતા સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી, અને નવા નેતૃત્વની આશા વ્યક્ત કરી હતી.સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને યાદ કરીને જણાવ્યુ હતુ કે એક ક્રાંતિકારી પરિવારમાં આવીને હું રાજકારણમાં જોડાઈ છું. સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીને યાદ કરતા કહ્યું કે, તેમણે મને દીકરીની જેમ અપનાવી તેમણે મને ભારતીય સંસ્કૃતિ શીખવી.1984માં તેમની હત્યા થઈ ત્યારે મે મારી મા ગુમાવી હોય તેટલુ દુ:ખ મને થયું હતુ.રાજીવ સાથે દેશના દરેક ખૂણા ફરીને હું ભારતની તકલીફ સમજી હતી.2004 થી અમે વિપક્ષમાં છીએ પરંતુ અમે હારીએ કે થાકીએ તેવા નથી.કોંગ્રેસે મનોમંથન કરીને આગળ વધવુ જોઈએ. આ એક નૈતિક લડાઈ છે.સોનિયા ગાંધીએ  રાહુલ ગાંધીની નીડરતા અને નિર્ભયતાના વખાણ કર્યા હતા.અને  અધ્યક્ષ તરીકે મારું આ છેલ્લું સંબોધન, કોંગ્રેસના દરેક કાર્યકરોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે 19 વર્ષ સોનિયા ગાંધી સફળ અધ્યક્ષ રહ્યા છે,હું પીએમ હતો ત્યારે તેઓ મને ઘણી વખત માર્ગદર્શન આપતા હતા.રાહુલ ગાંધીને મનમોહન સિંહે શુભેચ્છા પાઠવીને કોંગ્રેસનાં  ઈતિહાસમાં આજનાં દિવસને મહત્વનો ગણાવ્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સુકાન સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત તમામ લોકોને પ્રથમ સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યું કે, દેશના ઇતિહાસ અને મૂલ્યોના આધારે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે, આજે રાજનીતિ લોકોના ભલા માટે નહીં એકબીજાને કચડવા માટે થાય છે.

અમારા મૂલ્યોને કચડવામાં આવી રહ્યા છે. આજે ખાનપાનને લઇ હત્યા કરવામાં આવી રહી છે. ગરીબોની વાત કરવા પર નિશાન સાધવામાં આવે છે. ભાજપ તોડે છે અમે જોડીએ છીએ. કોંગ્રેસ દેશને આગળ લઈ જવા માંગે છે ,પરંતુ વડાપ્રધાન પાછળ. બીજેપીના લોકો સમગ્ર દેશમાં આગ અને હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ભાજપ ગુસ્સો કરે છે અમે પ્રેમથી સમજાવીએ છીએ.

 

LEAVE A REPLY