Connect Gujarat
બ્લોગ

બીજી મા : સિનેમા લવની ભવાઈ

બીજી મા : સિનેમા લવની ભવાઈ
X

બાપુ ! હવે છાતી (૫૬ ની નહિ) ઠોકીને એવું લખી શકાય કે ગુજરાતી ફિલ્મનો દૌર નક્કી આવી રહ્યો છે. જેમણે છેલ્લા વર્ષોમાં મલ્ટીપ્લેક્ષમાં ગુજરાતી હોવાના ગૌરવ સાથે ગુજરાતી ફિલ્મો જોઈ છે એમને મલ્હાર ઠાકર અને પ્રતિક ગાંધીની જોડી વાળી ફિલ્મ “બે યાર” યાદ હશે જ !

“લવની ભવાઈ” માં એ જ જોડી રંગત જમાવે છે. સાગર (મલ્હાર ઠાકર) આદિત્ય (પ્રતિક ગાંધી) ફિલ્મનું સૌથી મહત્વનું પાસુ અભિનેત્રી અંતરા (આરોહી પટેલ) જેને રેડિયો જોકી આર.જે. નો અભિનય કરી અમદાવાદની સવારમાં મેઘધનુષી રંગ પાથર્યા છે. રમતિયાળ, અલ્લડ, બેફિકર, ચુલબુલી છતાં પગભર હોવાના કારણે પોતાની જાતે જ કેમ જીવવું એના નિર્ણય લેવામાં મક્કમ.

વાર્ષિક વિવિધ કેટેગરીના એવૉર્ડ ફંકશનમાં ‘બેસ્ટ આર.જે. ઓફ ધ એવૉર્ડ’ અંતરાને મળે છે. એ જ ફંકશન ‘બેસ્ટ બિઝનેશમેન ઓફ ધ યર’ એવૉર્ડ આદિત્યને મળે છે. એવૉર્ડ લીધા પછી બન્નેની સ્પીચ એવૉર્ડ ફંકશનમાં શું બોલાય ?, કેટલું બોલાય ? અને કેવી રીતે બોલાય ? એ જાણવા માટે સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારોએ આ ફિલ્મ જોવી જ રહી. પહેલી મુલાકાતમાં અંતરા અને આદિત્ય નજીક આવે. નજીક આવે એટલે તણખા માંથી ક્રમશ: આગ લાગે. ફિલ્મની કથા નેહલ બક્ષી અને મીરલ શુક્લાએ લખી છે અને દર્શકને અંદાજ આવી જાય કે આવું જ કંઈ બનવાનું છે.

અંતરાના રેડિયો સ્ટેશન પર એક નવો કાર્યક્રમ લોન્ચ થાય. પ્રશ્ન આપનો, સોલ્યુશન અંતરા આપશે. ગરીબ, મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગના રેડિયો ચાહકો આ કાર્યક્રમને વધાવી લે. પ્રોબ્લેમ બધાને જ છે પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન રેડિયો જોડી અંતરા જે શબ્દો અને સ્ટાઈલમાં આપે છે એ જોવામાં રસ પડે. એક કુંવારી છોકરી પ્રશ્ન કરે ? એને આજે મને બોલાવી છે, એ પ્રપોઝ કરવાનો છે, હું શું કરું ? અંતરાનો જવાબ : તને એમ લાગે છે એ તારા માટે જ સર્જાયો છે, તને ખુશ રાખશે, સુખી કરશે. ફોન કરનાર સ્ત્રીનો જવાબ : ‘ના’ મારી જગ્યાએ તમે હોય તો શું કરો ? અંતરા : એક ક્ષણનો વિચાર કર્યા વગર ના પાડું. આ જ સંવાદ, અને દ્રશ્યો પેરેલલ સાગર તેની પ્રેમિકાને ફૂલનો ગુલદસ્તો આપે, પ્રેમિકા નકારે અને ચાલી જાય.

સાગર નાસીપાસ થાય ત્યારે તેના પિતા એને કહે કે દીકરા દિલ તોડનારની એક્ઝીટ થાય છે ત્યારે દિલ જોડનારની એન્ટ્રી થાય છે. સાગર મનોમન નક્કી કરે કે અંતરાની જોડે પ્રેમિકાના ફોટા “પડકાર” નામના ટેબ્યુલોઈડમાં પ્રસિદ્ધ થાય કારણ કે આદિત્ય અને અંતરાના ફોટા પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા.

પડકારના તંત્રીને સરક્યુલેશન વધારવાના અભરખા એટલે એના પ્રેસ ફોટોગ્રાફરને છૂટ્ટો દોર આપે અને માસ્ટર પ્લાન ઘડાય કે સાગર અને અંતરાના ફોટા ‘પડકાર’માં પ્રસિદ્ધ થાય. અંતરા દિવ જવાની છે એની જાણ પ્રેસ ફોટોગ્રાફરને થાય. સાગર અંતરા જે વોલ્વોમાં અમદાવાદ થી દિવ જાય એ જ બસમાં એની બાજુમાં બેસીને દિવ જાય. ફોટોગ્રાફર એનું કામ કરે. અંતરાને ફોટોગ્રાફીની હોબી. સાગર અંતરા નજીક આવતા જાય, આદિત્ય દૂર જતો જાય, દિવ થી અમદાવાદ આવ્યા બાદ આદિત્ય અંતરાને મળે ક્યાં હતી ? શું થઈ ગયું ? અંતરાતો સાગરમાં ડૂબી ચૂકી હતી. સાગરની બહેનના જન્મદિવસની પાર્ટીમાં અંતરા આવે. ચાલુ પાર્ટીએ એ સાગરના ઉપરના માળે આવેલા રૂમમાં જાય અને તેના લેપટોપમાં દિવમાં પ્રેસ ફોટોગ્રાફરે પાડેલા સેંકડો ફોટા જુવે અને ગુસ્સે ભરાય, એને મોઢે મોઢે કહેતી જાય આવું કોઈ પુરૂષ ત્યારે જ કરે જ્યારે એને બદલો લેવો હોય કે સ્ત્રીને બ્લેકમેલ કરવી હોય.

અંતરા ઘરે આવી આદિત્ય સાથે લગ્ન કરવાની હા પાડે. મલ્ટીમિલીયોનરના લગ્ન કેવા હોય ? એની તૈયારી ખૂબ સરસ રીતે ‘લવની ભવાઈ’ માં દર્શાવી છે. સાગર નાસીપાસ, દેવદાસ (જોકે એ દારૂ નથી પીતો માત્ર દીવમાં જ પીવે છે) ભગ્નહ્રદયે એ કાંકરિયામાં એક પાળ પર બેઠો છે. એ અંતરા અને આદિત્યના લગ્નના દિવસે એક હાથે લખેલો પત્ર અંતરાને પહોંચાડે છે અને ભૂલનો, પ્રેમનો એકરાર કરે છે. એ પત્ર આદિત્યના હાથ લાગે છે પછી બધુ જ કહી દઊં. ભલા ! માણસ માત્ર રૂ. ૯૦ માં મલ્ટીપ્લેક્ષની ઠંડકમાં જરૂર જોજો. મને યાદ રહી ગયેલા સંવાદ.

  • રોકડા પૈસા આપે છે. જેને આપે છે એ કહે છે,

ગણતરીના સંબંધો છે જ્યાં ગણવાના ન હોય.

  • છોકરા પાસેથી છોકરી પસાર થાય અને એને જુવે નહિ એવું બને જ નહિ,

રસ્તામાં પથ્થર હોય એટલે ફૂટબોલની જેમ એને મારવો જ પડે.

  • જે વ્યક્તિ દારૂ નથી પીતો એને માટેનો અંગ્રેજી શબ્દ “આલ્કોહોલિક વર્જીન”
  • ૨૯મું ટ્રાફિક નિયમન સપ્તાહ ચાલે છે ત્યારે એને લગતો એક શબ્દ કાને પડ્યો તમે ટ્રાફિકમાં ફસાયા છો, તમારું વાહન આગળ કે પાછળ જઈ શક્તું નથી ત્યારે તમને જે થાય છે તેને કહેવાય ‘ટ્રાફિક સ્ટ્રેસ’ મનોમન એટલી ગાળો સીસ્ટમને આપો છો, એના કરતા સમય મળે એટલે ‘લવની ભવાઈ’ જોઈ આવજો આવું કદાપી થશે નહિ.
  • જીવનમાં ભૂલ થઈ. આપે સ્વીકારી કે હા મેં ભૂલ કરી છે ત્યારે આટલું જ કરશો: એક ભૂલ તો મારાથી થઈ ગઈ છે હવે એને ભૂલવાની ભૂલ હું નહિ કરું. (જેથી એ જ ભૂલ બીજીવાર થશે નહિ)

આખરે જીવ પત્રકારનો એટલે જર્નાલીઝમમાં ચાર ‘સી’ ઈમ્પોર્ટન્ટ. ક્રિકેટ, ક્રાઈમ, કોમેડી અને સેલેબ્રીટી આના સમાચાર હોય તો વાચકો કે દર્શકો અચૂક રસપૂર્વક વાંચે.

છેલ્લે ‘લવની ભવાઈ’નો શ્રેષ્ઠ ડાયલોગ : “લાઈફ પાર્ટનર એ હોવો જોઈએ જે સ્માઈલ અને સિક્યુરિટી આપે”

Next Story