ચાર વર્ષની પુત્રીનું મોત છતાં પોલીસ દંપતિ ફરજ પર હાજર, વાંચો ખેડા જિલ્લાની ઘટના

0
177

રાજયમાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ કાફલાને રસ્તાઓ પર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં લોકોને કોરોના વાયરસના સંક્રમણથી રોકવા માટે ફરજ બજાવી રહયાં છે. ખેડા જિલ્લાના એક પોલીસ દંપતિ પોતાની ચાર વર્ષીય દીકરીનું મોત થઇ ચુકયું હોવા છતાં ફરજ પર હાજર રહી તમે ઘરમાં રહો અમે તમારા માટે ઘરની બહાર ફરજ પર છેની ઉકતિને સાર્થક કરી છે.

ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશનમાં જયસિંહ મંડોળ તથા તેમના પત્ની અલકાબેન ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. લોકડાઉનની જાહેરાત બાદ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તેમને ફરજ પર હાજર થઇ જવા ફરમાન કરવામાં આવ્યું હતું. જયસિંહ અને અલકાએ તેમની ચાર વર્ષીય દીકરી રાહીને સંજેલી ખાતે રહેતાં તેના મામાના ઘરે મુકી આવવાનો નિર્ણય લીધો હતો. તારીખ 2 એપ્રિલના રોજ સંજેલીથી જયસિંહ પર ફોન આવ્યો હતો કે ચણા ખાતી વેળા રાહીના નાકમાં ચણો ફસાઇ ગયો છે અને તે શ્વાસ લઇ શકતી નથી અમે તેને દાહોદ સારવાર માટે લઇ જઇ રહયાં છે. અલકા અને જયસિંહ તેમના ઉપરી અધિકારીઓની રજા લઇને દાહોદ પહોંચ્યાં હતાં પણ રાહીની હાલત ખરાબ હોવાથી તેને વડોદરા ખસેડવાની સલાહ આપવામાં આવી હતી.

રાહીને વડોદરા ખસેડતી વેળા તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. બીજી તરફ બે પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર ન હોવાનું જણાતા ખેડા એસપીએ ઠાસરા અને સેવાલીયા પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીઓનો ઉઘડો લઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં અલકા અને જયસિંહ પુત્રીના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધા સિવાય 3 એપ્રિલના રોજથી પોતાની ફરજ પર હાજર થઇ ગયાં છે. લોકડાઉનના સમયમાં ઘરની બહાર નીકળતાં લોકોને પોલીસ દંડા મારે છે અને લોકો પોલીસ વિશે અપશબ્દો પણ બોલે છે ત્યારે ખેડા જિલ્લાનો આ કિસ્સો પોલીસ કર્મચારીઓને ખરેખર સલામ મારવા જેવો છે. કનેકટ ગુજરાત પરિવાર જયસિંહ અને અલકાબેન પર આવેલા દર્દના સમયમાં દિલસોજી અને સાંત્વના પાઠવે છે. પુત્રી કરતાં ફરજને પ્રાધાન્ય આપનારા પોલીસ દંપતિને સલામ ……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here