Connect Gujarat
ગુજરાત

44 ડિગ્રી તાપમાં પણ આ પૂજારી ચાલે છે ઉઘાડા પગે, 19 વર્ષથી નથી પહેર્યાં પગરખાં

44 ડિગ્રી તાપમાં પણ આ પૂજારી ચાલે છે ઉઘાડા પગે, 19 વર્ષથી નથી પહેર્યાં પગરખાં
X

વડોદરાના એમ.જી.રોડ પર આવેલા રણછોડરાયજી મંદિરના પૂજારીએ છેલ્લા 19 વર્ષથી પગરખા પહેર્યા જ નથી. દેવઉઠી અગીયારસના દિવસે નીકળતા રણછોડરાયજીના વરઘોડાને માંડવી ખાતેથી 11 તોપની સલામી આપવાની તંત્ર દ્વારા મંજૂરી નહીં અપાય ત્યાં સુધી પગરખાં નહીં પહેરવાનો પૂજારીએ નિર્ણય લીધો હતો. ભગવાનનો વરઘોડો તોપની સલામી સાથે નીકળે તે માટે પૂજારી છેલ્લા 22 વર્ષથી કાનૂની લડત પણ લડી રહ્યા છે. વર્ષ-1999થી પગરખાં વિના ફરી રહેલા પૂજારીનું કહેવું છે કે, જ્યાં સુધી મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી હું આ કામ માટે લડતો રહીશ. હાલમાં ઉનાળાના 44 ડિગ્રીનાં ધોમધખતા તાપમાં હોય કે કડકડતી ઠંડીમાં તેઓ પગરખાં વિના છેલ્લા 19 વર્ષથી ફરી રહ્યા છે.

વડોદરામાં આવેલા 172 વર્ષ જુના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 172 વર્ષ પહેલાં દેવઉઠી અગીયારસના દિવસે વરઘોડાની શરૂઆત થઇ હતી. ત્યારથી માંડવી ખાતેથી ભગવાનને 11 તોપની સલામી આપવાની પરંપરા ચાલતી આવી હતી. 11 ઓગષ્ટ, 1996ના રોજ વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સલામતીના ઓથા હેઠળ તોપ ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યારથી ભગવાનનો વરઘોડો તોપની સલામી વિના જ નીકળે છે. ભગવાનના વરઘોડાને પરંપરા મુજબ તોપના 11 ધડાકાની સલામી આપવામાં આવે તે માટે મેં કોર્ટમાં દાવો કર્યો છે. કોર્ટ દ્વારા પંચનામું અને તોપના પરિક્ષણની કાર્યવાહી કરવામાં આવી હતી.

પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-1999માં કોર્ટ કમિશન દ્વારા તોપનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. કોર્ટ કમિશને તોપ ફોડવામાં કોઇ વાંધો નથી તેવો રિપોર્ટ પોલીસ તંત્રને પણ આપ્યો હતો. છતાં પોલીસ તંત્ર દ્વારા કોર્ટના હુકમનો અનાદર કરીને વરઘોડામાં તોપની સલામી આપવાની મંજૂરી આપી ન હતી. બસ તે જ વર્ષની દેવઉઠી અગીયારસના દિવસે મેં નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી વરઘોડામાં તોપની સલામી આપવાની મંજૂરી નહીં અપાય ત્યાં સુધી પગરખાં નહીં પહેરું.

દેવઉઠી અગીયારસના દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીને તોપની સલામી આપવાની પરંપરા પુનઃ ચાલુ થાયે તે માટે છેલ્લા 21 વર્ષથી કાનૂની જંગ લડી રહેલા પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી કોર્ટમાંથી કોઇ જાણ કરવામાં આવી નથી. તપાસ કરવા માટે જાઉં છું, ત્યારે કોર્ટના સત્તાવાળાઓ કેસ મળતો નથી. તેવું બહાનું બતાવી વિદાય કરી રહ્યા છે. પરંતુ મારી લડત આજે પણ ચાલુ છે.

Next Story