Connect Gujarat
Featured

રાજયમાં છ નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા 53 પર પહોંચી

રાજયમાં છ નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા 53 પર પહોંચી
X

ગુજરાતમાં કોરોના વાયરસના નવા છ દર્દીઓ મળી આવ્યાં છે. હવે રાજયમાં કરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 53 પર પહોંચી ચુકી છે. રાજયના આરોગ્ય વિભાગે તમામ લોકોને 14 દિવસના કોરેન્ટાઇનનો ગંભીરતાથી અમલ કરવા તાકીદ કરી છે.

રાજયના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડાૅ જયંતિ રવિએ માહીતી આપતા જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસ સંદર્ભેરાજ્યમાં આજે છ નવા કેસ પોઝીટીવ કુલ 53 કેસ પોઝીટીવ નોંધાયા છેે. રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાંથી 938 સેમ્પલ નેગેટીવ આવ્યાં છે. પર્સનલ પ્રોટેક્ટિવલ ઈક્વીપમેન્ટ્સ, માસ્કનો જથ્થો આજે દિલ્લીથી ગુજરાત આવશે.

રાજ્યમાં જે નવા છ કેસ પોઝીટીવ થયા છે તેમાં 66 વર્ષના એક વડોદરાના પુરૂષ છે જે યુ.કેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ગાંધીનગરના 81 વર્ષના એક પુરૂષ અને મહેસાણાના 52 વર્ષના એક પુરૂષનો કેસ છે જે લોકલ ટ્રાન્સમિશનના લીધે છે. આજ પ્રમાણે અમદાવાદમાં 70 વર્ષનાં એક પુરૂષનો કેસ છે જે આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં જ એક 45 વર્ષના બહેન અને એક 33 વર્ષના બહેનનો કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ 53 કેસ પોઝીટીવ થયા છે, જેમાં અમદાવાદમાં 18, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 08, ભાવનગરમાં 01 અને મહેસાણામાં 01 કેસનો સમાવેશ થાય છે.

ડો. રવિએ ઉમેર્યું કે, જે લોકડાઉનનો સમયગાળો નિયત કરાયો છે તેનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે. આપણે સૌએ સોશ્યલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતર જાળવવું અનિવાર્ય છે. અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન જઈએ એ અત્યંત જરૂરી છે.રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

Next Story