Connect Gujarat
Featured

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓ માટે રવિવારે મતદાન : 2,276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓ માટે રવિવારે મતદાન : 2,276 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
X

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપના મજબુત સંગઠન અને કાર્યકરોની ફોજ સામે કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પાછળ પડી ગઇ હોય તેમ લાગી રહયું છે.

રાજયમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકાઓ માટે રવિવારના રોજ મતદાન થવા જઇ રહયું છે. 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની 576 બેઠકો માટે 2,276 ઉમેદવારો નસીબ અજમાવી રહયાં છે. છ મહાનગરપાલિકાઓ મળીને કુલ 1.14 કરોડ કરતાં વધારે મતદારો નોંધાયેલાં છે. મહાનગરપાલિકાઓમાં 21મીના રોજ મતદાન થયા બાદ 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જો કે આ વખતે સૌથી આશ્ચર્યજનક બાબત અપક્ષો છે. સૌથી ઓછા એટલે કે માત્ર 226 જ અપક્ષો મેદાનમાં છે.

6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની થનારી ચૂંટણીમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (SP) જનતાદળ સેક્યુલર (JDS) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (AIMIM)નો સમાવેશ થવા જાય છે.

અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઇએમઆઇએમ પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી અને એઆઇએમઆઇએમ વચ્ચે ગઠબંધન થયું છે. આ ગઠબંધનના કારણે ભરૂચ અને અમદાવાદમાં ચૂંટણીઓ રસપ્રદ બની છે.

Next Story