Connect Gujarat
Featured

72માં પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં ગર્વભેર ઉજવણી

72માં પ્રજાસત્તાક પર્વની રાજ્યભરમાં ગર્વભેર ઉજવણી
X

રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 72માં ગણતંત્ર દિવસની ઉજવણી મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.

દેશ માટે આજે મહત્વનો દિવસ છે. દેશ આજે 72માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. બંધારણ અમલમાં આવ્યા બાદથી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ ઉજવાય છે અને ત્રિરંગાને ફરકાવી વીર શહીદોને સલામી આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધ્વજારોહણના કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો.

અમદાવાદ ખાતેના ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલની ઉપસ્થિતિમાં તેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ધ્વજારોહણ કરાયું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ધ્વજા ફરકાવી સલામી આપી હતી. તો વડોદરામાં પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ધ્વજ લહેરાવી સલામી આપી હતી. પોતાના વક્તવ્યમાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, કોરોના કાળમાં ગુજરાતે રાજ્ય શાસન,વહીવટી તંત્ર અને લોક શક્તિના સંકલનથી જીવન રક્ષાનો નવો અને ઉજળો ઇતિહાસ રચ્યો છે.વિશ્વની મહાસત્તાઓની સરખામણીમાં કોરોનાનું શ્રેષ્ઠ વ્યવસ્થાપન ભારતે કર્યું છે. તેમણે મીડિયાની કામગીરીની પણ સરાહના કરતાં કહ્યું, મીડિયાએ કોરોના કાળમાં લોક જાગૃતિ કેળવવાની અને સતર્કતા સાથે જીવન રક્ષાનું લોક શિક્ષણ આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે.

રાજકોટ શહેરના ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. સવારે 9 વાગ્યે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે રાજકોટ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ ભાઈ રૈયાણી, રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા હાજર રહ્યા હતા.

રાજકોટ જીલ્લામાં આવેલ ખોડલધામ મંદિરમાં 155 ફૂટ લાંબા ત્રિરંગા સાથે રાષ્ટ્રધ્વજ યાત્રા કાઢવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તરફ ભાવનગર ખાતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

વાત કરીએ જામનગરની તો જામનગર ખાતે પણ રાષ્ટ્રીય પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ હતી. જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના મંત્રી જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહેસાણામાં જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યના મંત્રી વિભાવરી દવેએ ધ્વજવંદના કરી રાષ્ટ્રગાન સાથે વીર શહીદોને સલામી આપી હતી.

ગીર સોમનાથ જીલ્લામાં જિલ્લા સેવા સદન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા ધવજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી જવાહર ચાવડા સાથે જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ, એસપી રાહુલ ત્રિપાઠીએ ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં પોલીસ જવાનો સાથે મહિલા પોલીસ પણ પરેડમાં જોડાઈ હતી.

જુનાગઢ જીલ્લામાં કલેક્ટર સૌરભ પારધીનાં હસ્તે ધ્વજ વંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ હતી.સાબરકાંઠા જિલ્લાના વડા મથક હિંમતનગર ખાતે પણ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જીલ્લા કલેકટરે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અર્પણ કરી હતી. તાપી ખાતે પ્રભારી યોગેશ પટેલની અધ્યક્ષતા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

Next Story