રથયાત્રા પૂર્વે પાટણ પોલીસને મળી મોટી સફળતા
અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું
ગેરકાયદેસર હથિયારો બનાવતી ફેક્ટરી પર દરોડો
દેશી તમંચા, જીવતા કારતૂસ સહિતનો સામાન જપ્ત
પોલીસે 6 આરોપીની ધરપકડ કરી, 2 આરોપી ફરાર
રથયાત્રા પૂર્વે પાટણ પોલીસે એક અત્યંત મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. જેમાં ગેરકાયદેસર રીતે હથિયારો બનાવતી એક આખી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
રથયાત્રા દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી, જે દરમિયાન ગેરકાયદેસર હથિયાર ઉત્પાદન નેટવર્ક પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પાટણ LCB પોલીસે બાતમીના આધારે 5 દેશી તમંચા, 4 જીવતા કારતૂસ અને હથિયારો બનાવવા માટે વપરાતો લોખંડનો તમામ કાચો માલ અને સરસામાન જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 6 જેટલા આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. જોકે, આ આખી ગેરકાયદે ફેક્ટરી ચલાવતો મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 2 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે, જે મુખ્ય આરોપી હાલ ફરાર છે, તે અગાઉ પણ હથિયારો બનાવવાના ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યો છે, ત્યારે હાલમાં પાટણ પોલીસે પકડાયેલા તમામ 6 આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખીનીય છે કે, રથયાત્રા પૂર્વે આ ઓપરેશન સફળ થતાં પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.
