Connect Gujarat
Featured

ફર્નિચરની દુકાન ચલાવતા 22 વર્ષીય યુવકે આપ્યો હતો પુલવામા હુમલાને અંજામ! જુઓ વિશેષ બુલેટીન

ફર્નિચરની દુકાન ચલાવતા 22 વર્ષીય યુવકે આપ્યો હતો પુલવામા  હુમલાને અંજામ! જુઓ વિશેષ બુલેટીન
X

બે વર્ષ પહેલાં, 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, લગભગ 3 વાગ્યે, જમ્મુ-કાશ્મીરમાં એવો આતંકવાદી હુમલો થયો હતો, જેનાથી આખા દેશમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પુલવામામાં સીઆરપીએફ ના જવાનોના કાફલાની બસમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ વિસ્ફોટકથી ભરેલી કાર ટકરાવી હુમલાને અંજામ આપ્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા...નમસ્કાર હું મુશ્તાક રાઠોડ કનેક્ટ ગુજરાતના વિશેષ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પુલવામા હુમલાની વર્ષ ગાંઠે સેનાએ ભાવુક વિડિયો જાહેર કરી તો નેતાઓએ સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાંજલી પાઠવી શહીદોને યાદ કર્યા છે. બતાવીશુ તમામ ખબર પરંતુ એ પહેલા આજથી બે વર્ષ પૂર્વે થયેલા આત્મઘાતી હુમલાનો આ રિપોર્ટ...

14 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે લોકો વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા હતા તે સમયે લગભગ સાડા ત્રણ વાગ્યે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર 2,500 જવાનોને લઈને રહી રહેલી 78 બસોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જૈશના આતંકીએ વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફ (CRPF)ના કાફલા સાથે ટકરાવી દીધી હતી. ભીષણ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. દેશ આજના આ દિવસને કાળો દિવસ તરીકે મનાવે છે. આ હુમલા બાદ દેશમાં સવાલ એવો ઊભો થયો હતો કે આટલા મોટાપાયે આતંકવાદીઓ પાસે વિસ્ફોટક આવ્યું કેવી રીતે.

આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ માર્ચ 2020માં પોતાના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પુલવામા હુમલામાં બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું કેમિકલ ઇ-કોમર્સ સાઇટ અમેઝોનથી ખરીદવામાં આવ્યું હતું. NIAએ આ આતંકી કાવતરામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા. પુલવામા આતંકી હુમલામાં સામેલ શ્રીનગરના 19 વર્ષીય વૈજ ઉલ ઈસ્લામ અને પુલવામા જિલ્લાના હકીરપોરા વિસ્તારના 32 વર્ષીય મોહમ્મદ અબ્બાસ ડેરની માર્ચ 2020માં ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામે જણાવ્યું હતું કે હુમલા માટે બોમ્બ તૈયાર કરવા માટે તમામ જરૂરી સામાન અમેઝોનથી ખરીદવામાં આવ્યો હતો. તેમાં કેમિકલ, બેટરી સહિતનો જરૂરી સામાન સામેલ હતો. ઈસ્લામે કબૂલ્યું હતું કે તેણે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કહેવા પર જ ઓનલાઇન શોપિંગ કરી હતી.

દેશભરમાં આજે પુલવામા હુમલાને યાદ કરવામાં આવી રહ્યો છે અને શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલી પાઠવવામા આવી રહી છે. વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઑ તેમજ અભિનેતા અને ખેલાડીઓએ ટ્વિટ કરી આજના દિવસને યાદ કર્યો છે.

પુલવામાં હુમલાની આજે બીજી વરસી છે ત્યારે વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ પૂલવામા હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી છે. ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએએ કહ્યું હતું કે 'આ દિવસને કોઈ ભારતીય ભૂલી શકશે નહીં. પુલવામામાં બે વર્ષ પહેલાં હુમલો થયો હતો. અમે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે અને તેમની બહાદુરી આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. '

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શ્રદ્ધાંજલી આપતાં ટ્વીટ કર્યું હતું કે, 'હું એવા બહાદુર શહીદોને સલામ કરું છું જેમણે 2019 માં આ દિવસે થયેલા પુલવામા હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારત તેની અસાધારણ હિંમત અને સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલશે નહીં.

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે - 'પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારોને સલામ. દેશ તમારો રૂણી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ શહીદોને યાદ કરતાં લખ્યું કે, "હું સીઆરપીએફના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે 2019 ના પુલવામા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો. ભારત તેમની રાષ્ટ્ર સેવા અને સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં." અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ જેમને આ હુમલાનું પરિણામ સહન કરવું પડ્યું. ' નેતાઓ સહિત અનેક બોલીવુડના અભિનેતાઓ અને ભારતીય ખેલાડીઓએ પુલવામાં અંગે ટ્વિટ કરી ઘટનાને વખોડી હતી.

ભારતીય સેનાએ પુલવામા અટેકની બીજી વરસી પર ભાવુક વિડિયો શેર કરી ઘટનાનું વર્ણન કર્યું છે.

પુલવામા હુમલાની બીજી વરસી પર આજે દેશ પોતાના વીર સપૂતોને સલામ કરી રહ્યો છે ત્યારે દરેક ભારતીયની આત્માની હચમચાવી મૂકે તેવો વીડિયો ભારતીય સેના દ્વારા સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. ચિનાર કોર્પ્સના ટ્વિટર હેન્ડલથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોમાં આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી 20 વર્ષનો આદિલ અહેમદ ડાર હતો.

14 ફેબ્રુઆરીનો દિવસ ઇતિહાસમાં જમ્મુ-કાશ્મીરની એક દુ: ખદ ઘટના સાથે નોંધાયેલો છે. બે વર્ષ વીતી ગયા, પરંતુ તે ઘટનાના ઘા આજે પણ લીલા છે, જ્યારે આતંકવાદીઓએ આ દિવસને દેશના સુરક્ષા કર્મચારીઓ પર કાયરાના હુમલો કરવા માટે પસંદ કર્યો. 14 ફેબ્રુઆરીની આ ઘટનામાં 40 જવાનો શહીદ થયા, આજે પણ તેને લઈને સરકાર પર સવાલ ઊઠે છે. કે જ્યાં પક્ષી પર નથી મારી શકતું ત્યાં 200 કિલો કે 300 કિલો આરડીએક્સ પહોંચ્યું કેવી રીતે? કોને ઘડ્યું હતું ષડયંત્ર અને કોણ આ કાવતરામાં સામેલ હતું? જો કે આ હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના બાલાકોટ ખાતે આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી. આવી જ રસપ્રદ માહિતી માટે જોતાં રહો કનેક્ટ ગુજરાત

Next Story