અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરી દ્વારા આત્મહત્યા નિવારણ અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

રોટરી ક્લબ ઓફ ભરુચ નર્મદા નગરી દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે અંકલેશ્વરની  શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંકલેશ્વર ખાતે  આત્મહત્યા નિવારણ માટે પ્રાથમિક સહાય” વિષય પર જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં, ખાસ કરીને યુવાનોમાં, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાનો તેમજ આત્મહત્યાના સંભવિત ચેતવણીરૂપ સંકેતોને ઓળખવા અને જરૂરિયાતમંદ વ્યક્તિને સમયસર યોગ્ય સહાય મળી રહે તે અંગે સમજ કેળવવાનો હતો.

આ કાર્યક્રમમાં આશરે 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ  સમીર પંડ્યા, રોટેરિયન યેશા શેઠ,સેક્રેટરી  શૈલેન્દ્ર રાણા, પૂર્વ કાઉન્સેલર જનકભાઈ શાહ, કોલેજના પ્રિન્સિપાલ  જી. કે. નંદા તથા કોલેજના પ્રાધ્યાપકો  ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યાએ જણાવ્યું હતું કે, “માનસિક સ્વાસ્થ્ય એ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે, પરંતુ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી. આવા સમયે આપણી સહાનુભૂતિ, સમયસરની મદદ અને નિષ્પક્ષ રીતે સાંભળવાની ભાવના કોઈનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. આત્મહત્યા નિવારણ એ માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.”મુખ્ય વક્તા શ્રીમતી યેશા શેઠે  પ્રાથમિક માનસિક સહાય પૂરી પાડવી તથા જરૂરિયાત મુજબ નિષ્ણાતની મદદ મેળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..