Connect Gujarat
દેશ

આસામ : બિલ અંગે વિદ્યાર્થી સંઘનો નગ્ન થઈ વિરોધ, ડાબેરી સંગઠનોએ રાજ્ય બંધનું આપ્યું એલાન

આસામ : બિલ અંગે વિદ્યાર્થી સંઘનો નગ્ન થઈ વિરોધ, ડાબેરી સંગઠનોએ રાજ્ય બંધનું આપ્યું એલાન
X

નાગરિકતા સુધારણા બિલ (સીએબી) સામે અસમમાં વિવિધ વિરોધ થઈ રહ્યા છે, જેમાં નગ્ન પ્રદર્શન કરવું અને તલવાર રાખવી શામેલ છે. મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલના ચબુઆના નિવાસસ્થાન અને ગુવાહાટીમાં નાણાં પ્રધાન હિમંત બિસ્વા સરમાના ઘરની બહાર સીએબી વિરોધી પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે.

ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન (આસૂ)એ તેના મુખ્યાલયથી મશાલ પ્રગટાવીને ગુવાહાટીના માર્ગો પર દેખાવો કરીને શોભાયાત્રા કાઢી હતી. આસુના મુખ્ય સલાહકાર સમુજ્જલ કુમાર ભટ્ટાચાર્યએ સરઘસનું નેતૃત્વ કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્ય કોઈપણ રીતે બિલ સ્વીકારશે નહીં.

ઉત્તર પૂર્વના વતનીઓનું કહેવું છે કે, બહારથી આવીને નાગરિકતા લેતા લોકોથી તેમની ઓળખ અને આજીવિકાથી ખતરો છે. આસુ અને અન્ય સંગઠનો બિલનો વિરોધ કરી રહ્યા છે. ઓલ આસામ મટક વિદ્યાર્થી સંઘના કાર્યકરોએ રવિવારે સાંજે શિવસાગરના માર્ગો પર નગ્ન પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસે વિરોધ કરી રહેલા મટક સમુદાયના લોકોને કસ્ટડીમાં લઈ લીધા છે. બીજી તરફ નલબારી નગરમાં આસામ ગણ પરિષદના ત્રણ મંત્રીઓ વિરુદ્ધ વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે.

બિલના વિરોધમાં કોંગ્રેસ

કોંગ્રેસ શરૂઆતથી જ આ બિલનો વિરોધ કરી રહી છે. પાર્ટીએ આ બિલને ગેરબંધારણીય જાહેર કર્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે નાગરિકત્વ આપી શકાય નહીં. રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને સંસદીય પક્ષની બેઠક બાદ પાર્ટીએ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બિલ આપણા બંધારણની બિનસાંપ્રદાયિક રચના, સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કૃતિની વિરુદ્ધ છે.

કોંગ્રેસે પહેલેથી જ નક્કી કર્યું છે કે તે બિલનો વિરોધ કરવા માટે સમાન વિચાર ધરાવતા પક્ષો સાથે વાત કરશે. જોકે, કોંગ્રેસ બહુમતી ધરાવતા નીચલા ગૃહ લોકસભામાં વધારે કામ કરી શકશે નહીં, પરંતુ ઉપલા ગૃહ રાજ્યસભામાં, તે આ બિલને રોકી શકે છે.

Next Story