Connect Gujarat
Featured

શિવરાત્રીના દિવસે આદિવાસી સમાજ શિવની નહિ પણ માતાજીની કરે છે આરાધના, વાંચો વિશેષ પરંપરા વિશે

શિવરાત્રીના દિવસે આદિવાસી સમાજ શિવની નહિ પણ માતાજીની કરે છે આરાધના, વાંચો વિશેષ પરંપરા વિશે
X

તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન અવસરે ભાવિક ભકતો શિવજીની અરાધનામાં લીન બની જશે. પણ આદિવાસી સમાજ શિવરાત્રીના દિવસે શિવજીના બદલે શકિત સ્વરૂપ પાંડુરી માતાજીની અરાધના કરે છે. અમે તમને જણાવી રહયાં છે નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે યોજાતા શિવરાત્રીના મેળા વિશે….

નર્મદા જિલ્લામાં આવેલો સાગબારા તાલુકો વનરાજીથી ઘેરાયેલો છે. કુદરતના અપાર સૌદર્યની ભેટ ધરાવતાં સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ આવેલું છે. સાતપુડાની પર્વતમાળાથી ઘેરાયેલાં દેવમોગરામાં આદિવાસી સમાજના કુળદેવી પાંડુરી માતાજીનું સ્થાનક આવેલું છે. આ મંદિર ખાતે મહા શિવરાત્રીનો ચાર દિવસનો મેળો ભરાઇ છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતાં હોય છે.માતાજીના પુજાપા રૂપે ઘન, ધાન્ય, મદિરા અને પશુ-પંખીઓ ચરણે ધરવાની અનાદિકાળથી પરંપરા ચાલી આવે છે.

દેવમોગરામાં થતી ધાર્મિક વિધિ કેવી હોય છે?

મહા વદ 14ની રાત્રિએ ઉત્સવ (બાંઅ) યોજાય છે. આ રાત્રિએ બોહણ (એક ધાર્મિક સ્થળ) ની પુજા થાય છે. બીજે દિવસે અમાસના વહેલી સવારે માતાજીના સ્થાનકથી ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદી ( એક ધાર્મિક સ્થળ) ની પુજા થાય છે. અમાસના દિવસે સાગબારાના રાજવી પરિવાર સૌ પ્રથમ માતાજીની પુજા-અર્ચના કરે છે. ત્યાર બાદ રૈયત-પ્રજા પુજાવિધ કરે છે. આ દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નિકળે છે. માતાજીના સ્નાનનું પવિત્ર જળ લેવા માટે ભારે ઘસારો થાય છે અને પવિત્ર જળના સેવનથી તન-મનના દુઃખો દુર થાય છે.

મંદિર ખાતે રાત્રિ રોકાણની ચાલી આવતી પરંપરા :

દેવમોગરા માતાજીના મંદીરે ડુંગરોમાં રાત્રી રોકાણ કરે છે. કુટુંબ કબીલા સાથે આવેલા આદિવાસીઓ ચુલાઓ બનાવીને સળગાવીને રાંધીને ખાય છે. રાત્રે જયારે ચુલા સળગતા હોય છે ત્યારે અનેરાં દ્રશ્યો સર્જાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મહાલે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય, બોલી ઉઠી હોય એવાં દ્રશ્યો સર્જાય છે.

દેવમોગરા કેવી રીતે જઇ શકાય છે :

દેવમોગરા ખાતે ભરાતાં મહા શિવરાત્રીના મેળા માટે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાંથી સરકારી બસોનું સંચાલન કરવામાં આવે છે. અંકલેશ્વર અને રાજપીપળાથી તમે એસટી બસ તથા ખાનગી વાહનોનો લાભ લઇ શકો છો. ખાનગી વાહનો મારફતે પણ દેવમોગરા પહોંચી શકાય છે. મેળા દરમિયાન શ્રધ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર તરફથી કરવામાં આવે છે.

Next Story