Connect Gujarat
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશનને પણ હેરીટેજ લુક અપાશે, જોવા મળશે શહેરનાં ઐતિહાસિક વારસાની ઝલક !

અમદાવાદ રેલવે સ્ટેશનને પણ હેરીટેજ લુક અપાશે, જોવા મળશે શહેરનાં ઐતિહાસિક વારસાની ઝલક !
X

બિલ્ડીંગને લાઇટીંગ સિસ્ટમથી ઝગમગતી રખાશે, પ્રવેશદ્વાર પર હેરીટેજ ગેટ મૂકાશે

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કરાયા બાદ તેના વધી ગયેલા વૈશ્વિક મહત્વને જોતા રેલવે તંત્ર દ્વારા પણ અમદાવાદ રેલવે સ્ટેશનને આ શહેરને અનુરૂપ હેરીટેજ લુક આપવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં સમગ્ર રેલવે સ્ટેશનને હેરીટેજ લુકમાં ફેરવી મુસાફરોને શહેરના વારસાથી પરિચિત કરાવાશે. આ કામગીરી આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

અમદાવાદ રેલવે સ્ટેશનના મુખ્ય બિલ્ડીંગને આકર્ષક બનાવવા માટે તેના ધાબા પર આર્ટીફિશીયલ ડોમ ઉભું કરાશે. મુખ્ય બિલ્ડીંગની ફ્રન્ટ સાઇટને સંપૂર્ણપણે હેરીટેજ લુકમાં ફેરવી દેવાશે. જેમાં શહેરમાં આવેલી વિવિધ ઔતિહાસિક ઇમારતો, દરવાજાઓ, વાવ, કિલ્લાઓ, પોળોની ઝલક જોવા મળે છે. આ અંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દિનેશકુમારના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનની સંપૂર્ણ ઇમારતને માઇક્રો પ્રોસેસર બેઇઝ કલર લાઇટથી ઝગમગતી કરી દેવાશે.

જેમાં રાત્રી દરમિયાન વિવિધ કલરોની રોશનીથી ઝગમગતી બિલ્ડીંગનો નજારો જોવા લાયક હશે. ૧૫ ઓગષ્ટ્ર સહિતના વિવિધ વાર તહેવારોને અનુરૂપ લાઇટીંગનો શેડ અપાશે. રેલવે સ્ટેશનના આવવા-જવાના મુખ્ય પ્રવેશ દ્વાર પર હેરીટેજ પ્રકારનાં ગેટ મુકવામાં આવશે. દિલ્હી દરવાજા પાસે જે ઐતિહાસિક ગેટ છે તેની પ્રતિકુતી મુકાશે. ઉપરાંત રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ તેમજ ફૂટ ઓવરબ્રિજ પર ગ્રેનાઇટ લગાવવામાં આવશે. જેના તેનો લુક આકર્ષક બની જશે. વેઇટીંગ હોલના ટાઇલ્સો બદલવા તેમજ બાથરૂમમાં સુધારો વધારો કરવા ઉપરાંત એલઇડી લાઇટો મૂકવામાં આવશે.

અમદાવાદ સ્ટેશન પર વિડીયો વોલની સુવિધા ઉપલબ્ધ કરાવાશે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો રેલવેને લગતી તમામ પ્રકારની માહિતીઓ મેળવી શકે તે માટે નવા કોન્સેપ્ટ તરીકે વિડીયો વોલની સુવિધા ઉભી કરાશે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશનના ટિકિટ બારી પાસેના પરિસરમાં એક દિવલ પર ૧૫ બાય ૮ ની સાઇઝમાં વિડિયો વોલની સુવિધા અપાશે. જ્યાં ટ્રેનોની અવર-જવર તેમજ જાહેર સુચનાઓ સહિતની તમામ પ્રકારની જાણકારી મુસાફરો સરળતાથી મેળવી શકશે.

૧૫ ઓગષ્ટ પહેલા ફિડબેક સિસ્ટમ ઉભી કરી દેવાશે ૧૫ ઓગષ્ટ પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પર ફિડબેક સિસ્ટમ ઉભી કરવામાં આવનાર છે. સ્ટેશન પરની સ્વચ્છતા, સુવિધાઓને લગતી તમામ બાબતો માટે મુસાફરો પાસેથી તેમના મત માંગવામાં આવશે. આ માટે પ્લેટફોર્મ નંબર ૧ ઉપર બે એલઇડી સ્ક્રીન મુકાશે. જેમાં મુસાફરો રેટીંગ આપી શકશે. આ રેટીંગના આધારે રેલવેતંત્ર જરૂરી લાગતા સુધારા વધારાઓ કરશે.

Next Story
Share it