Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : સમગ્ર શહેરમાં 15મી મે સુધી સંપુર્ણ લોકડાઉનની જાહેરાત

અમદાવાદ : સમગ્ર શહેરમાં 15મી મે સુધી સંપુર્ણ લોકડાઉનની જાહેરાત
X

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 4 હજાર કરતાં વધારે કેસ નોંધાતા કેન્દ્ર અને રાજય સરકારની ઉંઘ ઉડી ગઇ છે. કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે બુધવારે રાત્રિના 12 વાગ્યાથી સમગ્ર શહેરમાં સંપુર્ણ લોકડાઉન નાખી દેવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર દુધ અને દવાની દુકાનો ખુલ્લી રાખવામાં આવશે.

સમગ્ર દેશમાં અમદાવાદમાંથી કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ હોવાથી રાજય અને કેન્દ્ર સરકારમાં દોડધામ મચી ગઇ છે. કરફયુ સહિતના પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાને બદલે વધી રહયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હોમ કવોરન્ટાઇન થતાં તેમના સ્થાને મુકેશ કુમારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંદર્ભમાં થતી તમામ કામગીરીનું મોનીટરીંગ ડૉ. રાજીવ ગુપ્તાને સોંપવામાં આવ્યું છે. નવા વરાયેલા અધિકારીઓએ હવે તેમની નવી રણનિતિ મુજબ કામગીરી શરૂ કરી દીધી છે.

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે બુધવારે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર અમદાવાદ શહેરમાં સંપુર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. શહેરમાં 15મી મે સુધી માત્ર દવા અને દુધનું વેચાણ કરતી દુકાનોને જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. અનાજ કરિયાણા સહિતની તમામ અન્ય દુકાનોને બંધ રાખવા આદેશ જારી કરી દેવામાં આવ્યાં છે. લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે કલમ 188 અને 270 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર મોડે મોડે પણ એકશનમાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રએ લોકોને 15મી સુધી લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે અપીલ કરી છે.

Next Story