Connect Gujarat
Featured

અમદાવાદ : આયશાના ઐય્યાસ પતિની ધરપકડ, હસતાં મોઢે આયશાએ નદીમાં ઝંપલાવ્યું હતું

અમદાવાદ : આયશાના ઐય્યાસ પતિની ધરપકડ, હસતાં મોઢે આયશાએ નદીમાં ઝંપલાવ્યું હતું
X

અમદાવાદની પરણિતા આયશા મન્સુરીએ પોતાના પર અમાનુષી અત્યાચાર કરનારા પતિ અને સાસરિયાઓને હસતા મોઢે માફ કરી સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ કરુણ કિસ્સામાં પોલીસે આરોપી પતિ આરીફની ધરપકડ કરી છે.

અમદાવાદની આયશાનો આત્મહત્યા પહેલાંનો વીડિયો જોઈને ભલભલા કઠણ કાળજાના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ છે. આયશાના આ વીડિયોએ સંવેદનાના એકેએક તાર ઝણઝણાવી દીધા છે, પરંતુ આયશાના એ વિડિયોમાંના સ્મિતની પાછળ કેટલું દર્દ હતું તે હવે ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે.

આરિફની સામે આયશાનો કેસ લડનાર વકીલે ઘટસ્ફોટ કર્યો છે કે આરિફના રાજસ્થાનની એક યુવતી સાથેના સંબંધને કારણે જ આઈશા તણાવમાં રહેતી હતી અને છેવટે આ પગલું ભર્યું હતું. લગ્નના બે મહિનામાં જ આરિફનું પોત પ્રકાશ્યું હતું અને આયશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો-કોલ પર પ્રેમાલાપ કરતો હતો. આ પ્રેમિકા સાથે મોજમજા કરવા કારણે આરિફ ઘણીવાર આઈશાને પિતાના ઘરે મૂકી ગયો હતો. આઈશાના આપઘાત માટે આરિફના લગ્નેતર સંબંધ જ જવાબદાર હતા.

આયશાના પિતાએ પણ રડમસ સ્વરે કહયું છે કોઇ પૈસા માંગે તો આપી દેજો પણ દીકરી ન આપતાં.. અત્રે ઉલ્લેખનીય છે કે, આયશાએ અંતિમ સમયે તેના પતિને ફોન કર્યો હતો પણ તેણે તેને રોકવાના બદલે આત્મહત્યાનો વિડીયો મંગાવ્યો હતો. આયશાએ ચહેરા પર સ્મિત સાથે તમામને માફ કરી સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કરી દીધું હતું. આયશાના માસુમ ચહેરાએ લાખો લોકોને રડાવી દીધાં છે. આયશાના પતિ સામે સાબરમતી રીવર ફ્રંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી. પોલીસે આરોપી આરીફની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે.

Next Story