Connect Gujarat
Featured

અમદાવાદ: ભાજપના આ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં કાર્યકરોમાં ભરશે જોશ, જુઓ કોનો કોનો કરાયો સમાવેશ

અમદાવાદ: ભાજપના આ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં કાર્યકરોમાં ભરશે જોશ, જુઓ કોનો કોનો કરાયો સમાવેશ
X

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારોને રીઝવવા 20 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. સાંસદ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીથી લઈને અલ્પેશ ઠાકોર સહિતના નેતા ચૂંટણી સભાઓ ગજવશે.

સ્થાનીય સ્વરાજની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવતા હોય છે. જ્યારે ચૂંટણીઓ આવે એટ્લે રેલી અને સભાઓનો મોસમ જામતો હોય છે. રાજકીય પક્ષોના સ્ટાર નેતાઓ મતદારોને સંબોધી પક્ષને મત કરવાની અપીલ કરતાં હોય છે. હાલ પણ ચૂંટણીનો માહોલ છે જેને લઈને ઉમેદવારોના ફોર્મની અંતિમ પ્રક્રિયાની પૂર્ણતાના આરે માત્ર એક દિવસનો સમય રહ્યો છે ત્યારે પ્રચાર પ્રસારની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કોંગ્રેસ હજુ સુધી પોતાના ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર નથી કરી શકી, ત્યાં ભાજપે હવે સભાઓ ગજવવા સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે. ગુજરાત પ્રદેશ ભાજપે જાહેર કરેલ યાદીમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલથી લઈને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામ સામેલ છે. વીસ નામોની યાદીમાં 19 પ્રચારકો પ્રદેશના સમાવવામાં આવ્યા છે. જેમાં પાર્ટી પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. આ વીસ નેતાઓની યાદીમાં સૌથી છેલ્લું નામ અલ્પેશ ઠાકોર છે. ભાજપમાં હાલ સાવ નિષ્ક્રીય બની ચૂકેલા અલ્પેશ ભાજપના સ્ટાર ઠાકોર નેતા છે અને તેઓ ગઇ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ આ યાદીમાં હતા.

Next Story