Connect Gujarat
Featured

અમદાવાદ : વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા 36 જેટલા “પ્રચાર સાહિત્ય” તૈયાર કરાયા

અમદાવાદ : વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા 36 જેટલા “પ્રચાર સાહિત્ય” તૈયાર કરાયા
X

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા જુદાજુદા પ્રકારના 36 જેટલા પ્રચાર સાહિત્ય તૈયાર કરી લોકોના ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોના મહામારીમાં યોજાનાર પેટાચૂંટણીમાં ભાજપ વિવિધ પ્રકારની વસ્તુઓ અને મુખોટા તૈયાર કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. જ્યારે દરેક બેઠકો પર દરેક વર્ગને ધ્યાનમાં રાખી સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.

જોકે આ અંગે માહિતી આપતા ભાજપના નેતા મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા દરેક ચૂંટણીઓમાં વિવિધતા સભર પ્રચાર સાહિત્યનું નિર્માણ કરવામાં આવતું હોય છે. આ વખતે પણ ભાજપ દ્વારા જુદીજુદી 36 જેટલી વસ્તુઓ/પત્રિકાઓ પ્રચાર-પ્રસાર માટે બનાવવામાં આવી છે. જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો તેમજ વિવિધ વર્ગો માટેનું અલગ અલગ પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યની ભાજપ સરકારના પ્રજાકીય કાર્યો અને વિચારની માહિતી સરળતાથી લોકો સમજી શકે તે રીતે પ્રચાર સાહિત્ય બનાવવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરીની વિગતો-સૂત્રો સાથેની પોકેટ બુક, પત્રિકાઓ, ટોપી, ઝંડા, સ્ટીકર વગેરેના વિતરણ દ્વારા જન-જન સુધી ભાજપાની વિચારધારા અને પ્રજાલક્ષી કાર્યોની માહિતી પહોંચાડવામાં આવી રહી છે. દર વખતની ચૂંટણીઓની જેમ આ વખતે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા સાથેના ફેસમાસ્ક તથા કટઆઉટ બનાવવામાં આવ્યા છે. હાલના કોરોનાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે મોટી સંખ્યામાં માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. જેનું દરેક સભાઓમાં, બેઠકોમાં તેમજ ઘર-ઘર સંપર્ક અભિયાનમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Next Story