Connect Gujarat
Featured

અમદાવાદ : બોપલમાં રૂ. 1.90 લાખની ઉઘરાણી મામલે મોબાઈલ શોપ ધારકની ધુલાઈ, વીજ કરંટ આપી વિડિયો પણ ઉતાર્યો

અમદાવાદ : બોપલમાં રૂ. 1.90 લાખની ઉઘરાણી મામલે મોબાઈલ શોપ ધારકની ધુલાઈ, વીજ કરંટ આપી વિડિયો પણ ઉતાર્યો
X

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપના ધારકને કેટલાક માથાભારે શખ્સોએ માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રૂપિયાની લેતીદેતી બાબતે ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ બર્બરતાની હદ વટાવી દુકાન ધારકને ઈલેક્ટ્રિક બોર્ડ વાયરોથી કરન્ટ પણ આપ્યો હતો. સમગ્ર મામલે દુકાન ધારકના મિત્રની ફરિયાદના આધારે બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાબરમતીના શુભદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઈવ ઈન રોડ ખાતે મોબાઈલની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સૌરભ ગુપ્તા તેમના ગામના જ રહેવાસી અને મિત્ર નરેન્દ્ર ગુપ્તાની બોપલ ખાતે આવેલી દુકાને ગયા હતા. જ્યાં હૈદર અને ચિરાગ નામના 2 શખ્સો નરેન્દ્ર ગુપ્તાની દુકાનમાં હાજર હતા. તેઓ નરેન્દ્ર ગુપ્તાને કહેવા લાગ્યા હતા કે, તારી દુકાન પર અમારો કબજો છે. ઉપરાંત રામ પાસેથી 1.90 લાખ રૂપિયા લીધા છે, તે પરત આપી દે. ત્યારબાદ તારી દુકાનનો કબજો તને આપીશું. જેથી નરેન્દ્ર ગુપ્તાએ તેમને થોડા દિવસમાં પૈસા આપવાનું જણાવતા બંન્ને શખ્સ નરેન્દ્ર ગુપ્તા પર ઉશ્કેરાઈને તૂટી પડ્યા હતા. ત્યારબાદ આ બન્ને શખ્સોના અન્ય સાથીદારો દુકાને આવી કહેવા લાગ્યા હતા કે, નરેન્દ્રને દુકાનમાં લઈ લો તેને પાઠ ભણાવીએ. ત્યારબાદ નરેન્દ્ર ગુપ્તાને દુકાનમાં લઈ જઈ લાકડાના દંડા, પટ્ટા જેવા હથિયારોથી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેનું પેન્ટ કાઢી વીડિયો પણ ઉતાર્યો હતો. માત્ર એટલુ જ નહીં, ઈલેક્ટ્રિક બોર્ડમાં વાયર લગાવીને તેને કરંટ પણ આપ્યો હતો. તે દરમ્યાન સૌરભનો મિત્ર નરેન્દ્ર બચાવવા વચ્ચે પડ્યો ત્યારે આ તમામ શખ્સોએ તેની સાથે પણ મારઝૂડ કરી ઇજા પહોચાડી હતી.

જોકે, આ શખ્સોએ એવી પણ ધમકી આપી હતી કે, હવે પછી દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશું, ત્યારે મારામારીની ઘટનામાં નરેન્દ્ર ગુપ્તા બેભાન થઈ દુકાન બહાર જ ઢળી પડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌરભ ગુપ્તાએ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ, હૈદર, ચિરાગ, મેહુલ મકવાણા, તુષાર, અંકિત અને જગુ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story