Connect Gujarat
Featured

અમદાવાદ : 7 વર્ષની બાળકીને પણ ના બખ્શી, કહેવાતા મામાએ દુષ્કર્મ આચરી બાળકીને ફેંકી દીધી!

અમદાવાદ : 7 વર્ષની બાળકીને પણ ના બખ્શી, કહેવાતા મામાએ દુષ્કર્મ આચરી બાળકીને ફેંકી દીધી!
X

અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલ ગોતા હાઉસિંગમાંથી ત્રણ દિવસ પહેલા 7 વર્ષીય બાળકી ગુમ થઈ હતી. ત્રણ દિવસ બાદ ખુશી રાઠોડ નામની બાળકીનો મૃતદેહ ઓંગણજ ટોલનાકા પાસેથી મળી આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી હતી. અને બાળકીના પાડોશમાં રહેતા ભીખુ ઉર્ફે ભાવેશની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બાળકી આરોપીને મામા કહેતી હતી પરંતુ મામાએ કંસનું સ્વરૂપ લઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યો. ખુશીએ બુમાબુમ કરતાં મામા કંસ ભાવેશે ગળું દબાવી તેની હત્યા કરી તેના મૃતદેહને ખુલ્લી જગ્યામાં નાખી ભાગી છૂટ્યો હતો. જુઓ આ વિશેષ અહેવાલ.

અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલ ગોતા હાઉસિંગમાં રહેતા શ્રમજીવી પરિવારની 7 વર્ષની બાળકી ખુશી રાઠોડ ઘર આંગણે રમતાં રમતાં 13 સપ્ટેમ્બરના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ગુમ થયા બાદ બાળકીના પરિવારે તાત્કાલિક સોલા પોલીસનો સંપર્ક કર્યો હતો. અને સોલા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. સોલા પોલીસે સ્થાનિક રહીશોની મદદથી આસપાસના વિસ્તારમાં આખી રાત તપાસ કરી હતી. તેમ છતાં બાળકીની કોઈ જ ભાળ ન મળતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ધ્રાંગધ્રાના વતની દંપતી 15 વર્ષથી ગોતા હાઉસિંગમાં રહે છે. સંતાનમાં તેમને 3 દીકરી હતી, જેમાં સૌથી મોટી દીકરી 7 વર્ષની ખુશી હતી. શનિવારે રાતે ખુશી ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તે મળી નહોતી. પોલીસે લાઉડ સ્પીકર પર તેમજ પોલીસ વાનના સેટ પર ખુશીને શોધવા આખી રાત પ્રયાસો કર્યા હતા. પરંતુ તેની કોઈ ભાળ ન મળતા રવિવારે સવારથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકીની શોધ શરૂ કરી હતી. પરંતુ પોલીસને કોઈ કડી હાથે લાગી ન હતી. દરમ્યાનમાં આજે પોલીસને ઓગણજ ટોલનાકા પાસેથી બાળકીની લાશ મળી આવી.

બાળકીના પરિવારમાં એક પરિચિત વ્યક્તિની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. જેની પૂછપરછ બાદ બાળકીની લાશ ઓગણજ ટોલનાકા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ફેંકી હોવાનું જણાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડયો હતો. લાશ મળતાજ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ વધુ તેજ કરી હતી અને પડોશમાં રહેતા અને ખુશીની માતાએ બનાવેલ ભાઈ ભીખુ ઉર્ફે ભાવેશની અટકાયત કરી પુછપરછ શરુ કરી હતી. જેમાં ભીખુ એ કબુલ્યું હતું કે તેને બાળકીને મારી નાખી છે. 13 તારીખે બાળકી જયારે ઘરની બહાર રમતી હતી ત્યારે ભીખુ ત્યાં આવ્યો અને ચોકલેટ અપાવવાના બહાને ખુશીને લઈ ગયો હતો. ત્યારબાદ તે ઓગણજ ટોલટેક્સ પાસે ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું પરંતુ બાળકીએ બુમા બુમ કરતા તેને ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને તેને ત્યાંજ મૂકી ભીખુ નાસી છૂટ્યો હતો. ગઈકાલે સાંજે ત્યાં દુર્ગન્ધ આવતા સ્થાનિકોને બાળકીનો મૃતદેહ નજરે પડતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં મૃતદેહ ખુશીનો હોવાનું જણાયું હતું. પોલીસે બાતમીના આધારે કન્સ મામા ભીખુ ઉર્ફે ભાવેશની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

બાળકીનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યો હતો. અને બાળકી ભીખાને મામા કહીને બોલાવતી હતી. તેમ છતાં તેની સાથે આવો જઘન્ય અપરાધ થયો હોવાને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ખરેખર ગુજેરાત બાળકીઓ માટે સલામત છે?

Next Story