Connect Gujarat
Featured

અમદાવાદ: ડ્રેગન ફ્રૂટનું ગુજરાતીકરણ હવે ઓળખાશે કમલમ તરીકે,જુઓ સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું

અમદાવાદ: ડ્રેગન ફ્રૂટનું ગુજરાતીકરણ હવે ઓળખાશે કમલમ તરીકે,જુઓ સી.એમ.વિજય રૂપાણીએ શું કહ્યું
X

તમે શહેર અને ગલીઓના નામ બદલતા તો તમે જોયા હશે પરંતુ હવે ડ્રેગન ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે. રાજય સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામા આવ્યું છે. એક તરફ ભાજપના પ્રદેશ કાર્યાલયનું નામ કમલમ છે ત્યારે ડ્રેગન ફ્રૂટનું નામ પણ સરકારે કમલમ રાખતા સોશ્યલ મીડિયામાં આ મુદ્દો ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યો છે.

ગુજરાત સરકારે હવે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેના નામને લઈને અનેક ગેરસમજો ઊભી થતી હતી. જેના પગલે ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા એક દરખાસ્ત થઇ હતી. કચ્છના ખેડૂતોએ તે અંગે વિશેષ રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને 'કમલમ્ ફ્રૂટ' કરવાની જાહેરાત કરી દીધી છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેક્ટ્સ છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતુ કે, ડ્રેગન ફ્રૂટ એવું નામ શોભતું નથી. આ ફળ મૂળ ચીનનું નથી પરંતુ આપણે ત્યાં ઘણાં વર્ષોથી ઉગે છે. કેક્ટસ જેવા છોડ ઉપર ઉગતા આ ફળનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી અમે તેને નવું સંસ્કૃત નામ કમલમ આપ્યું છે.

કચ્છમાં લગભગ 150 ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે. કચ્છમાં 275 એકરમાં ડ્રેગનનો મબલખ પાક લેવામાં આવે છે. સ્થાનિક ખેડૂતો દ્વારા ફળનું વિદેશી નામ હોતા કમલમ ફ્રૂટ તરીકે નામ રાખવા ગત જુલાઈએ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી. અબડાસા તાલુકામાં મુખ્યત્વે કમલમ ફ્રુટની ખેતી થાય છે ખેડૂત મહેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે ટેઓ 65 એકરમાં આ ફળનું વાવેતર કર્યું છે. ભારતમાં સૌથી વધુ અને કચ્છમાં પ્રથમ તેઓ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટનું વાવેતર કરી રહ્યા છે. આ ફળને લોકલ નામ મળવાથી વધારે પ્રોત્સાહન મળશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.

રાજ્યમાં જ્યારે ડેંગ્યુ માથુ ઊંચકે ત્યારે ડ્રેગન ફ્રૂટની ડિમાન્ડ વધતી હોય છે. આ ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. આ ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરે મળે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં 90 ટકા પાણી હોય છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ છે. તેના બીજમાં ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલ ઓછો કરવામાં મદદ કરે છે. ડ્રેગન ફ્રૂટમાં એવા કાર્બ્સ હોય છે જે કેન્સર જન્ય કોષોને વધતા અટકાવે છે.

Next Story