Connect Gujarat
સમાચાર

અમદાવાદ : દસ્ક્રોઈ તાલુકાનાં ખેડૂત શાકભાજી સાથે કરે ગલગોટાની ખેતી, ફૂલની ખેતી થઈ પ્રચલિત

અમદાવાદ : દસ્ક્રોઈ તાલુકાનાં ખેડૂત શાકભાજી સાથે કરે ગલગોટાની ખેતી, ફૂલની ખેતી થઈ પ્રચલિત
X

ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે, પણ ફૂલોનું ખેતરનો નવો કોન્સેપ્ટ થોડા વર્ષોથી આપણે ત્યાં હવે ખુબ પ્રચલિત થવા લાગ્યો છે. જેને સુગંધનો દરિયો કહીએ તો અતિશયોક્તિ નથી. અનાજ અને શાકભાજીની ખેતી સાથોસાથ હવે ખેડૂતો ફૂલની ખેતીમાં હોંશે હોંશે જોતરાઇ રહ્યા છે. લોકો ફૂલનો વપરાશ ધાર્મિક પૂજા ઉપરાંત ગૃહ સુશોભનમાં પણ ખુબ કરે છે. ગલગોટાનો વ્યાપક ઉપયોગ તો જૂઓ! કોઇપણ ધર્મના સારા કે નરસા પ્રસંગોમાં ગલગોટાની હાજરી હોય જ છે. અન્ય કોઇપણ શણગાર ગલગોટા વિના સાવ અધુરો જ છે તેમ કહેવામાં જરાય બેમત નથી.

અમદાવાદ જિલ્લાના દશ્ક્રૌઇ તાલુકાના પરઢોલ ગામે ૩૦ વીઘા જમીન ધરાવતા રસિકભાઇ પટેલ વડિલો પાર્જિત જમીનમા ૨૫ વર્ષથી શાકભાજી અને મગફળીની સાથે-સાથે ફૂલોની પણ ખેતી કરે છે. આ વર્ષે તેમણે ૨ વિધાના ખેતરમાં સિઝન મુજબ ગલગોટાના ફૂલોની ખેતી કરી છે. ગલગોટાની ખેતી જ કેમ? તેના જવાબમાં રસિકભાઇ પટેલના પુત્ર યોગેશભાઇ કહે છેકે ‘’ હજારીગલ તરીકે ઓળખાતા ગલગોટાની ખેતી કરવાનો વિચાર અને માર્ગદર્શન અમને બાગાયત અને કૃષિવિભાગ દ્વારા સમયાંતરે ખુબ મળતું આવ્યું અને અન્ય ખેતીમાં ઓછા વળતર મળવાને કારણે અમે અમારા ખેતરમાં વર્ષમાં બે વાર ગલગોટાની ખેતી કરીએ છીએ, જેમાં ઓછી મહેનત, ઓછું પાણી, નહિવત ખાતરની જરૂર રહે છે

યોગેશભાઇ કહે છે કે ૮૫ દિવસ પહેલા અમારે ધરુના વાવેતર સાથે રોપણીનો ખર્ચ ૨૫ હજાર થયો હતો. જેનો વેચાણ ભાવ બજારની માંગ મુજબ રહે છે. આ વરસે અંદાજે એક કિલોનો ભાવ ૨૫ થી ૩૦ રૂપિયા રહેવાની સંભાવના છે. સિઝનમાં એક વીઘામાંથી ૨૫૦ થી ૩૦૦ મણ ગલગોટાના ફૂલો મળવાની આશા છે. ગલગોટાની બજારમાં માંગ નવરાત્રીથી શરુ કરીને દિવાળી અને ત્યારબાદ શરુ થતા લગ્નસરા સુધી સતત જળવાઇ રહે છે. અને ભાવ પણ ખુબ જ સારા મળી રહે છે. અમને આ સિજનમાં ૮૦ હજારથી લાખ રુપિયા મળી શકશે તેવું અનુમાન છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી. એ માટે ખેડૂતોએ અન્ય પાકો સાથે સાથે હવે ફુલોની ખેતી થકી આવક વધારી શકાય છે અને તેનાથી ઓછા રોકાણની અંદર વધારે નફો ઓછા સમયમાં મળે છે . તે માટે ખેડૂતોને સમયાંતરે પ્રોત્સાહન અને પ્રેરણા બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે. તેથી ટૂંકા સમયમાં વધુ રોજગારી આપતા ફુલ પાકોની પસંદગી ખેડૂતોએ કરવી જોઇએ.

Next Story