અમદાવાદ : ફાસ્ટટેગની SOP નહિ આવે ત્યાં સુધી રોકડમાં ટોલ સ્વીકારવામાં આવશે

ફાસ્ટટેગને લઇ વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યાં છે. અમદાવાદ -વડોદરા એકસપ્રેસ હાઇવે પર વાહનચાલકો રોકડમાં ટોલની રકમ ભરી શકશે.
સોમવારથી ટોલ પ્લાઝા પર તમામ વાહનોમાં ફરજિયાત ફાસ્ટેગનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો વાહનો પર ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે. વાહન માલિકો ઓન લાઇન અને ઓફલાઇન ફાસ્ટેગ ખરીદી શકે છે. પરંતુ હજી નવી એસઓપી જાહેર નહિ થાય ત્યાર સુધી વાહન ચાલકો રોકડમાં ટોલની રકમ ભરી શકશે. નવી એસઓપી જાહેર થયાં બાદ રોકડમાં ટોલની રકમ સ્વીકારવામાં આવશે નહિ. અમદાવાદ સહિત રાજ્યના 67 ટકા વાહનોમાં ફાસ્ટેગ હોવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. સમગ્ર દેશના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ અમલી થતાં રોકડ વ્યવહાર કરવો પડશે નહીં, ઉપરાંત સમય પણ બચશે. સરકારે 15 ફેબ્રુઆરી સુધી મુદત વધારી હતી. પણ હવે સોમવારથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. અમદાવાદ- વડોદરા એકસપ્રેસ હાઇવે પર હાલ એક લેનમાં રોકડમાં ટોલ સ્વીકારવામાં આવી રહયો છે. ફાસ્ટટેગની એસઓપી જાહેર થયાં બાદ આ લેન પર રોકડમાં ટોલ લેવાશે નહિ.
વર્ષમાં એકાદ વખત ટોલ પ્લાઝાનો ઉપયોગ થતો હોય તો પણ ફાસ્ટ ટેગ જરૂરી છે. તમારા વાહન ઉપર ફાસ્ટટેગ હશે તો તમે ગમે ત્યારે ટોલ પ્લાઝા પરથી ગમે ત્યારે પસાર થશો એટલે તમારા ખાતામાંથી ટોલની રકમ કપાય જશે. ફાસ્ટટેગના કારણે તમને ટોલપ્લાઝા ખાતે સિંગલના બદલે રીર્ટન ટીકીટનો પણ લાભ મળી શકશે. ફાસ્ટટેગમાં સામાન્ય બેલેન્સ રાખવાથી તેનો દુરુપયોગ થતો નથી. કોઈપણ સ્થળે જવાનું થાય ત્યારે તેને રિચાર્જ પણ કરાવી શકાય છે.