Connect Gujarat
Featured

અમદાવાદ : GIDCની મેગા લાઇનમાં ભંગાણ સર્જાતા ખારીકટ કેનાલમાં ફરી વળ્યું કેમિકલ યુક્ત પાણી, લોકો રોષે ભરાયા

અમદાવાદ : GIDCની મેગા લાઇનમાં ભંગાણ સર્જાતા ખારીકટ કેનાલમાં ફરી વળ્યું કેમિકલ યુક્ત પાણી, લોકો રોષે ભરાયા
X

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલની બાજુમાંથી પસાર થતી GIDCની મેગા લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે કેમિકલ યુક્ત પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં સતત વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાથી નારોલ સુધી નાંખવામાં આવેલ GIDCની મેગા લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા અતિ પ્રદુષિત અને ટ્રીટમેંટ કર્યા વગરનું ગંદુ પાણી ઓવરફ્લો થયું હતું. જેના કારણે કેમિકલ યુક્ત પાણી નેશનલ હાઇવેને સમાંતર આવેલ ખારીકટ કેનાલમાં ફરી વળતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ લોકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.

અમદાવાદના CTM નજીકના વિસ્તારમાં રહેતા લોકોના મકાનોમાં ગંદુ અને અત્યંત દુર્ગંધવાળું પાણી ફરી વળ્યું હતું. જોકે પ્રદૂષણના પાપીઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી ખારીકટ કેનાલમાં ઠાલવવામાં આવતું હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો, ત્યારે સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિવેડો નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Next Story