Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા રદ થતાં છાત્રોએ કરી માર્કશીટનો હોળી

અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા રદ થતાં છાત્રોએ કરી માર્કશીટનો હોળી
X

રાજયમાં લોકરક્ષક દળ બાદ હવે સચિવાલયમાં કલાર્ક અને ઓફિસ આસીટન્ટની પરીક્ષા રદ કરવામાં આવતાં શિક્ષિત યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. મંગળવારે અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં 200થી વધારે વિદ્યાર્થીઓએ એકત્ર થઇ ભાજપ સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ ધોરણ 12ની માર્કશીટની હોળી કરી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોની ચાર રસ્તા પર એનએસયુઆઇના નેજા હેઠળ મંગળવારના રોજ વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ થવાના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતાં. વિરોધ પ્રદર્શનમાં આશરે 200થી વધારે વિદ્યાર્થીઓ જોડાયાં અને તેમણે ભાજપ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવી વાતાવરણ ગજવી નાંખ્યું હતું. વાતાવરણ તંગ બની જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજયમાં લેવાનારી લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ થતાં પરીક્ષાર્થીઓ અટવાયાં હતાં. આ ઘટના બાદ સરકારે બીજીવાર આવું નહીં થાય તેની ખાતરી આપી હતી પણ બીજી પરીક્ષા પર રદ કરાઇ છે. મંગળવારે અમદાવાદ ખાતે એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ તેમની ધોરણ -12ની માર્કશીટની જાહેરમાં હોળી કરી હૈયાવરાળ ઠાલવી હતી.

Next Story