Connect Gujarat
Featured

અમદાવાદ : ગૃહિણીઓને પડતા પર પાટુ જેવો ઘાટ, માત્ર 2 જ દિવસમાં ડુંગળી-બટાકાના ભાવ પહોચ્યા આસમાને

અમદાવાદ : ગૃહિણીઓને પડતા પર પાટુ જેવો ઘાટ, માત્ર 2 જ દિવસમાં ડુંગળી-બટાકાના ભાવ પહોચ્યા આસમાને
X

મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ડુંગળી અને બટાકાના ભાવ આસામાને પહોંચી ગયા છે, ત્યારે હોલસેલ બજારમાં ડુંગળી 50 રૂપિયે પ્રતિકિલો અને બટાકા 31.25 રૂપિયે પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. માત્ર 2 જ દિવસમાં ડુંગળી અને બટાકાના ભાવ આસમાને પહોચતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

મંદીના માહોલ વચ્ચે હવે ગૃહિણીઓને જાણે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના આસમાને આંબતા ભાવ વચ્ચે હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘણી મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ઘરમાં કાયમી વપરાતા એવા બટાટા અને ડુંગળીના ભાવ પણ હવે ભડકે બળી રહ્યા છે. જેને લઈને મધ્યમ વર્ગના લોકોના હળવા થઇ ગયેલા ખિસ્સા હવે ખાલી થઇ રહ્યા છે. એક સમયે ભાવના મળતા જે બટાટા રસ્તા પર ફેંકી દેવાતા હતા, ત્યારે હવે એ બટાટા આજે ગણી ગણીને વાપરવાનો વારો આવ્યો છે. તો સાથે જ ડુંગળી પણ હવે લોકોને રડાવી રહી છે.

જોકે 5 દિવસ પહેલા અમદાવાદમાં 50 રૂપિયે અઢી કિલો ભાવે બટાટા મળતા હતા, ત્યારે 2 દિવસમાં જ આ ભાવ હવે 120 રૂપિયે પહોચી ગયો છે. હવે એક કિલોના જ 55થી 60 રૂપિયે કિલો બટાટા વેચાઈ રહ્યા છે. તો બીજી તરફ બજારમાં બટાટા અને ડુંગળીની કૃત્રિમ અછત ઉભી થઈ છે. જેના કારણે બટાટા અને ડુંગળીના ભાવ વધ્યા છે, ત્યારે હવે કાળા બજારીયાઓને તાકીદે રોકવાની જરૂરીયાત વર્તાઇ રહી છે. નહિ તો ગરીબો તો દૂર મધ્યમ વર્ગીય લોકોને પણ બટાટા ખાવા મોંઘા પડી જશે.

દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ મહારાષ્ટ્રના લાસલગામમાં છે. જ્યાં ગયા સોમવારે ડુંગળીનો ભાવ 6802 રૂપિયા પ્રતિ ક્વિંટલ સુધી પહોંચી ગયો હતો, ત્યારે હવે ડુંગળીનો ભાવ પણ 100 રૂપિયા ઉપર જઇ શકે તેવી માહિતી મળી રહી છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ડુંગળીના પાકને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે, જેના કારણે હજી ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે.

Next Story