Connect Gujarat
Featured

અમદાવાદ : રીવરફ્રન્ટ ખાતે નહિ જોવા મળે આંતરરાષ્ટ્રીય પતંગબાજો, જુઓ શું છે કારણ

અમદાવાદ : રીવરફ્રન્ટ ખાતે નહિ જોવા મળે આંતરરાષ્ટ્રીય પતંગબાજો, જુઓ શું છે કારણ
X

રાજયમાં ફેલાયેલા કોરોના વાયરસે અમદાવાદમાં યોજાતાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પેચ કાપી નાંખ્યો છે. હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે મહોત્સવ રદ કરવાની તથા ઉત્તરાયણની ઉજવણી માટે ગાઇડલાઇન બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં નાઇટ કરફયુ ચાલી રહયો છે. આકાશી યુધ્ધના પર્વ ઉત્તરાયણ આડે પણ હવે ગણતરીના દિવસો બાકી રહયાં છે. અમદાવાદ ખાતે દર વર્ષે યોજાતો પતંગ મહોત્સવને આ વર્ષે રદ કરી દેવાયો છે.

રાજ્યમાં દિવાળી બાદ કોરોના સંક્રમણ વધ્યું હતું અને કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો પણ હવે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કોરોના સ્થિતિ કાબુમાં પણ આવી રહી છે ત્યારે આગામી જાન્યુઆરી મહિનામાં ઉતરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફરીવાર કોરોના મહામારી વકરે નહિ તે માટે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે દેશ વિદેશના પતંગબાઝો ઉત્તરાયણમાં ગુજરાત આવતા હતા પણ હવે મહોત્સવ રદ્દ થવાથી પતંગ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે

હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે આમ રાજ્યમાં વર્ષોથી યોજવામાં આવતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવામાં આવતા આ વર્ષે ઉતરાયણના રસિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

Next Story