Connect Gujarat
Featured

અંબાજી : અંબા માતાના મંદિરને મુકાયું ખુલ્લું, શ્રધ્ધાળુઓએ નિયમોનું કરવું પડશે પાલન

અંબાજી :  અંબા માતાના મંદિરને મુકાયું ખુલ્લું, શ્રધ્ધાળુઓએ નિયમોનું કરવું પડશે પાલન
X

બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલાં માતાજીના મંદિરને આખરે શ્રધ્ધાળુઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. મંદિરમાં દર્શન કરવા માટે આવતાં ભકતોએ સોશિયલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

કરોડો માઇ ભક્તોની આસ્થા અને ભક્તિના પરમ પવિત્ર કેન્દ્ર સ્થાન સમાન અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતાં શ્રધ્ધાળુઓમાં આનંદ અને હરખની લાગણી પ્રસરી છે. કોરોના સંદર્ભે યાત્રિકોની સલામતિ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. માઇભક્તો મોંઢે માસ્ક બાંધીને, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને તેમજ તમામ દિશા નિર્દેશોનું પાલન કરીને મંદિરમાં પહોંચી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી ધન્ય બને છે.

દર્શનાર્થીઓ માટે રેલીંગમાં ટોકન સુવિધા, થર્મલ સ્કેનીંગ દ્વારા યાત્રિકોના ટેમ્પ્રેચરની ચકાસણી, ઠેરઠેર સેનેટાઇઝરની સુવિધા ઉપરાંત સાબુથી હાથ ધોવા માટે રેલીંગમાં વોશબેસીનની પણ સગવડ કરાઇ છે. રેલીંગમાં પીવાના પાણીની તથા યાત્રિકોને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરી શકાય તે માટે કેબીન બનાવીને થોડીક સેકન્ડોમાં જ યાત્રિકોને ઓટોમેટીક સેનેટાઇઝ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. માતાજીને ચઢાવવાની પૂજા સામગ્રી સ્વીકારવા માટે પિત્તળના ગેટ પાસે ટ્રસ્ટ દ્વારા સુવિધા કરાઇ છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારે દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. સવારે ૭.૩૦ થી ૧૦.૪૫, બપોરે ૧.૦૦ થી ૪.૩૦, સાંજ ૭.૩૦ થી ૮.૧૫ વાગ્યા સુધી. યાત્રાળુઓ તથા ગ્રામજનોને દર્શન માટે યાત્રિક પ્લા ઝાની બાજુમાં ટોકન કાઉન્ટર પરથી ટોકન લઇને જ પ્રવેશ મેળવવાનો રહેશે. શક્તિદ્વાર ખાતે આરોગ્યને લગતી સુવિધા કરવામાં આવી છે.

અત્યારે ભેટ કેન્દ્ર, પ્રસાદ કેન્દ્ર, સાડી કેન્દ્ર, ગણેશજી મંદિર દર્શન, પાવડીપુજા, યાત્રાળુઓ ધ્વારા ધરાવતો રાજભોગ, ગર્ભગૃહ દર્શન, માતાજીની ગાદી દર્શન, હોમ, હવન, યજ્ઞ, થ્રીડી મુવી શો, દિવ્યદર્શન ફોટોગ્રાફી, ધજા આરોહણ, અંબિકા ભોજનાલય, આવાસગૃહો હાલ પુરતા બંધ રાખવામાં આવ્યા છે. માતાજીની આરતી વખતે ભીડ થતી હોઈ આરતીના સમયગાળા દરમિયાન શક્તિદ્વારથી જ પ્રવેશ બંધ કરવામાં આવે છે. માતાજીના ચાચર ચોકમાં ગરબા, જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ કાર્યક્રમ વિગેરે કરી શકાશે નહી. ગબ્બર ટોચ મંદિર તથા ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવીને દર્શન કરી શકે છે. સગર્ભા બહેનો, બિમાર વ્યક્તિઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકો હાલ પુરતા અંબાજી મંદિરના દર્શન માટે ન આવે અને ઘરે બેઠા માતાજીની પુજા અર્ચના કરે તે હિતાવહ છે.

Next Story