Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: છારાનગરમાં પોલીસને ફટકારવાના કેસમાં વકીલ સહિત ૮ના જામીન મંજૂર

અમદાવાદ: છારાનગરમાં પોલીસને ફટકારવાના કેસમાં વકીલ સહિત ૮ના જામીન મંજૂર
X

અન્ય ૨૧ શખ્સો આજે જામીન અરજી દાખલ કરે તેવી સંભાવના

છારાનગરમાં પોલીસને ફટકારવાના પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ વકીલ સહિત આઠ વ્યક્તિના જામીન મંજૂર થયા છે. ઝડપાયેલા શખ્સોની જામીન અરજીમાં સરકારે કોઇ જ વાંધો લીધો ન હતો. ઉપરાંત કોર્ટને આ મામલે યોગ્ય નિર્ણય કરવા દલીલ કરી હતી. જ્યારે બચાવ પક્ષે પોલીસ સામે વિવિધ આક્ષેપો કરી ખોટી રીતે ધરપકડ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. મંગળવારે બન્ને પક્ષે આ મામલે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો બુધવાર પર મુલતવી રાખ્યો હતો. બુધવારે સવારે કોર્ટ દ્વારા તમામ ૮ આરોપીઓના રૂ. ૧૦,૦૦૦ના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

છારાનગરમાં પોલીસ પર હુમલાની ઘટના બાદ ઉશ્કેરાયેલી પોલીસે સ્થાનિક લોકો પર આતંક મચાવ્યો હતો. પોલીસે લોકોને ઝડપીને માર માર્યો હતો અને વાહનો પણ તોડી કાઢ્યા હતા. પોલીસ પર હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા એડવોકેટ મનોજ ફરીકદાસ તમંચે, કૃણાલ મનોજ તમંચે, કુશલ મનોજ તમંચે તથા સન્ની મનોજ તમંચે, અનિતાબહેન મનોજ તમંચે, પ્રવિણ દિવાનભાઇ ઇન્દ્રેકર, આતીષ અજય ઇન્દ્રેકર, પરાગ કીરીટ તમંચેએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એડવોકેટ વી.ડી.ગજ્જરે એવી દલીલ કરી હતી કે, ત્રણ વ્યક્તિ તો એડવોકેટ છે અને ખોટી રીતે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમના ઘર પાસે વાહનો તોડવાની શરૂઆત કરતા તેઓ જોવા ગયા હતા. ત્યારે પોલીસે તેમને ઝડપી ઢોર માર માર્યો છે. આ મામલે 29 વ્યક્તિએ પોલીસ સામે માર માર્યા સહિતના આક્ષેપ સાથે મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે. ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે તેથી જામીન આપવા જોઇએ.

બીજી તરફ સરકારની સૂચનાને ધ્યાને લઇ મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, લૂંટનો આરોપ ફક્ત બે વ્યક્તિ પર જ છે. જામીન અરજી મૂકેલા વ્યક્તિઓનો રોલ લૂંટમાં નથી, કોર્ટે યોગ્ય હુકમ કરવો જોઇએ.

Next Story