Connect Gujarat
ગુજરાત

આમોદઃ પાંચ વાહનો વચ્ચે અકસ્માત, કોલેજિયન યુવતીનું થયું મોત

આમોદઃ પાંચ વાહનો વચ્ચે અકસ્માત, કોલેજિયન યુવતીનું થયું મોત
X

આ અકસ્માતમાં 7થી વધુ લોકોને ઈજા પહોંચી હતી

ભરૂચ જંબુસર સ્ટેટ હાઇવે પર આવેલા સમની બસ સ્ટોપ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી બસ તેમજ બે રીક્ષા અને એક મોટર સાઇકલ તેમજ સાઈકલને ટ્રક ચાલકે અડફેટે લેતાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બીજી તરફ અકસ્માતમાં એક યુવતીનું મોત તેમજ અન્ય સાત જણને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ભરૂચની હોસ્પીટલમાં ખસેડાયા હતા. ગફલતભરી રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ આમોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત અંગે વધુમાં પ્રાપ્ત માહિતીઅનુસાર મોરબીથી સિરામિક ટાઈલ્સ ભરી ભરૂચ તરફ જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે બેદરકારી પૂર્વક ટ્રક હંકારતા સમની બસ સ્ટોપ ઉપર ઉભેલી બે રીક્ષા તેમજ એક સાઇકલ અને બાઈકને અડફેટે લીધા હતા. બાદમાં બસ સ્ટોપ ખાતે વાહનની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરોને ટક્કર મારી બસના પાછળના ભાગે ધડાકાભેર અથાડી હતી. ત્યાર બાદ રોડની બાજુમાં આવેલા વૃક્ષમાં ટ્રક ભટકાતાં વૃક્ષની તોતિંગ ડાળીઓ પણ ભોંય ભેગી થઇ જવા પામી હતી.

વધુમાં બસ સ્ટોપ પર ઉભેલા આઠ મુસાફરોને કાળમુખી ટ્રકે અડફેટે લેતાં વછ્નાદ ગામની વતની અને ભરૂચ કોલેજ ખાતે અભ્યાસ કરતી અંજનાબેન લક્ષ્મણસિંહ ચૌહાણ પર ટ્રકના પૈંડા ફરી વળતા યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની હિલીંગટચ હોસ્પીટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમ્યાન અંજનાનું મોત નિપજ્યું હતું. જયારે અન્ય સાત મુસાફરોને ઓછા વધતા અંશે ઈજાઓ થતા ભરૂચ સિવિલ તેમજ હિલીંગટચ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. માનવ અવર જવર થી ધમધમતા સમની બસ સ્ટોપ ખાતે સર્જાયેલ અકસ્માતના ઈજાગ્રસ્તોની વહારે આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી બેદરકારી પૂર્વક ટ્રક હંકારનાર ડ્રાઇવર વિરુદ્ધ આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઈજાગ્રસ્તોની યાદી

૧ એહમદ હનીફભાઈ કપડવંજ વાલા (રહે કુરચણ)

૨ સેહજાદ મુસ્તાક હોકી

૩ અજીમબાપુ

૪ એક વિકલાંગ આધેડ (નામ જાણવા મળેલ નથી)

૫ ખુસ્બુબેન પાણીપુરી વાલા ( રહે સમની)

૬ સફ્વાન ઈદ્રીસ હોકી

૭ આરતીબેન ધનરાજ સિહ ચોહાણ ( રહે. વછ્નાદ )

Next Story