Connect Gujarat
ગુજરાત

આમોદ તાલુકામાં ખોટી વારસાઈ કરી બોગસ ખેડૂત બનવાનું કારસ્તાન ઝડપાયું

આમોદ તાલુકામાં ખોટી વારસાઈ કરી બોગસ ખેડૂત બનવાનું કારસ્તાન ઝડપાયું
X

અસલ ખેડૂતને બે વાર મૃતક બતાવી બે અલગ અલગ વારસાઈ નોંધ પડતા સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યુ.

આમોદ તાલુકામાં ખોટી વારસાઈ કરી બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ બહાર આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. બોગસ ખેડૂત ખાતેદાર બની કરોડોની જમીનના માલિક બની બેઠેલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા તેઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ખોટા ખેડૂત ખાતેદાર બનવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા હતા. ત્યાંજ ફરીથી આમોદ તાલુકામાં ખોટા ખેડૂત બનવાનું વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. વાલીયા તાલુકાના પઠાર ગામે નરેન્દ્ર માધવરાવ ખલે જૂનો બ્લોક સર્વે નંબર 440 થી ખેતીની જમીન ધરાવે છે. તેમના નામથી 2013માં આમોદના વાસણા ગામે સર્વે નંબર 58 વેચાણ દસ્તાવેજથી જમીન લેવામાં આવી હતી. પાકી નોંધ પડે એ પહેલાં નરેન્દ્રરાવ મૃત્યુ પામ્યા અંગેની અમોદના મંજુલા ગામે 27/4/13 ના રોજ નોંધણી ક્રમાંક ૯ થી નોંધ કરવામાં આવી હતી. એ પછી વારસાઈના આધારે પાંચ લોકોએ વારસાઈ કરાવી ખેડૂત બની ગયા હતા. ત્યારબાદ અનેક જગ્યાએ કરોડોની જમીન ધારણ કરી લીધી હતી.

સરકારી અધિકારીઓની આંખમાં ધૂળ નાખવામાં સફળ રહેલા બોગસ ખેડૂત હયાતીમાં હક દાખલ કરવા જતાં આબાદ ઝડપાઇ ગયા હતા. નંદનબેન નરેન્દ્રભાઈ જે ભૂખણદાસ કેશવલાલ દોઢિયાવાલાની પત્નીએ હયાતીમાં તેમના પુત્ર ભરતકુમાર અને ભરતકુમારે તેમના બે વારસદારોને ખેડૂત બનાવવા 2018 માં હયાતી હક દાખલ કરતા મૂળ ખાતેદાર નરેન્દ્રરાવની વાલીયાની મામલતદાર કચેરીમાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉઠ્યો હતો. નાયબ મામલતદાર મેહસુલના ધ્યાને નરેન્દ્રરાવના મૂળ વારસદારોએ 2016માં વાલીયાના પઠાર ગામે વારસાઈ કરાવી હોવાનું માલુમ પડતા આમોદના વાસણા ગામે ખોટીરીતે વારસાઈ કરી ખેડૂત ખાતેદાર બન્યાનું માલુમ પડતા હયાતી હકની એન્ટ્રીને અટકાવી દીધી હતી.

સમગ્ર મામલે આમોદ મામલતદારે ભરૂચ કલેક્ટરને રિપોર્ટ કરતા તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે. બોગસ ખેડૂત બન્યાની ચર્ચા આમોદ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બનવા સાથે ખોટા ખેડૂત ખાતેદારોમાં ફફડાટ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ ખેડૂત બની ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં વેચાણ દસ્તાવેજ થી કરોડોની જમીન ધારણ કરી ગણોત ધારાની જોગવાઇનું ઉલ્લઘન કરતા ખોટા ખેડૂતો સામે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે આમોદ મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કરી પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગેનો રિપોર્ટ જિલ્લા સમાહર્તાને મોકલી આપવામાં આવ્યો છે.

મંજુલા ગામના નિવાસી ન હોવા છતાં બની બેઠેલા બોગસ ખેડૂતોની મૃત્યુ નોંધ

આમોદના વાસણા ગામની જમીનમાં ખોટી રીતે બની બેઠેલા બોગસ ખેડૂત ખાતેદાર કે જેઓને મંજુલા ગામે કોઈ નિવાસ ન હોવા છતાંયે વસંતબેન ની 1999 અને સંતોકબેનની 2009 માં મૃત્યુ થયાની નોંધણી કરવામાં આવી હતી.જેથી આખા પ્રકરણમાં સુ વ્યવસ્થિત રીતે કારશો રચ્યો હોવાની વિગતો સામે આવી છે.જો મંજુલા ગામ પંચાયતના દફતરે મૃત્યુ અંગેની નોંધણી કોણે કરી, કોના કહેવાથી કરી એ બાબતે જો તપાસ કરવામાં આવે તો સંડોવાયેલા લોકો ખુલ્લા પડશે. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તોજ ખોટું કરનાર લોકોને અટકાવી શકાશે.

Next Story