Connect Gujarat
ગુજરાત

અમરેલી : લોકો કરી રહયાં છે વિચિત્ર સમસ્યાનો સામનો, 21 જેટલા જાહેર શૌચાલયો છે બંધ

અમરેલી : લોકો કરી રહયાં છે વિચિત્ર સમસ્યાનો સામનો, 21 જેટલા જાહેર શૌચાલયો છે બંધ
X

અમરેલી શહેરમાં આવતાં લોકો હાલ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહયાં છે. મોટા ભાગના જાહેર શૌચાલયો બંધ હોવાથી લોકો માટે શૌચક્રિયાનો પ્રશ્ન ઉભો થયો છે. શહેરમાં 21 જેટલા શૌચાલયો શોભાના ગાંઠીયા સમાન બની ગયાં છે. નિહાળો અમરેલીથી ખાસ રીપોર્ટ.

અમરેલી શહેરમાં સરકાર દ્વારા આશરે ૨૫ જેટલા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા લાખોના ખર્ચે બનેલા જાહેર શૌચાલયો શોભાના ગાંઠિયા સમાન બની ગયાં છે. મોટાભાગના જાહેર શૌચાલયો બંધ હાલતમાં છે તેમજ શૌચાલય પર લગાડવામાં આવેલ સ્વચ્છતા મિશનના બોર્ડ નજીક જ ગંદકીના થર જોવા મળી રહ્યા છે. અમરેલી નગરપાલિકા સંચાલિત એક પણ જાહેર શૌચાલય હાલ ચાલુ ન હોવાથી અમરેલીવાસીઓને ભારે અગવડતા પડી રહી છે. ખાસ કરીને બહારગામથી આવતાં લોકો માટે શૌચક્રિયાનો પ્રશ્ન ઉભો થયો છે.

અમરેલી શહેરના ૨૧ જેટલા જાહેર શૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકો પરેશાન છે. ત્યારે પાલિકાના વિપક્ષ નેતાએ ભાજપ શાસિત પાલિકા સામે આક્ષેપ કરીને સ્વચ્છતા મિશન સામે સવાલો ઉઠાવ્યાં છે. સરકાર તરફથી થતા ઇન્સ્પેક્શન સમયે પાલિકા સફાઈ કરાવીને જાહેર શૌચાલય સારા બતાવી દેવામાં આવતાં હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે, સત્તાધીશ ભાજપ પાલિકા પ્રમુખે જાહેર શૌચાલય ખાનગી એજન્સીઓને આપી દીધા છે. પે એન્ડ યુઝ જાહેર શૌચાલયોના નિભાવ માટે રાખવામાં આવેલ માણસોના ખર્ચાઓ નહીં નીકળતા હોવાને કારણે બંધ કર્યા હોવાનો સ્વીકાર તેમણે કર્યો હતો.

Next Story