Connect Gujarat
Featured

રાજયમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 60 ટકા મતદાન

રાજયમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 60 ટકા મતદાન
X

રાજયમાં મહાનગરપાલિકાઓની સરખામણીએ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં મતદાનની ટકાવારી સારી રહી હતી. રવિવારના રોજ 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજયમાં મતદાનની સરેરાશ ટકાવારી 60 ટકાની આસપાસ રહી હતી.

ગુજરાતમાં રવિવારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મતદાન શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયું છે. રાજયમાં અમુક સ્થળોએ હરીફ ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યાં હતાં. રવિવારે સવારે 7 વાગ્યાથી નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ઉમેદવારો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી મતદાન મથકો ખાતે મતદારોએ ઉત્સાહ બતાવતાં મતદાનની ટકાવારી સારી રહી હતી. બપોરે એક વાગ્યા બાદ મતદાન નિરસ બની ગયું હતું અને મતદારોને મતદાન મથકો સુધી લાવવા માટે દોડધામ કરવાની કાર્યકરોને ફરજ પડી હતી. મતદાન દરમિયાન રાજયમાં અનેક જગ્યાઓએ ઇવીએમ ખોટકાતાં મતદાન અટકી ગયું હતું જેના કારણે મતદાન માટે આવેલાં લોકોએ રોષ ઠાલવ્યો હતો. રાજયમાં યુવાઓથી માંડી વયસ્કોએ મતદાન માટે ઉમંગ અને ઉત્સાહ બતાવ્યો હતો. લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે વર અને વધુઓએ પણ પહેલાં મતદાન કરી પછી ફેરા ફર્યા હતાં જયારે લઘુમતી સમાજના યુગલોએ નિકાહ પઢયાં હતાં. મહાનગરપાલિકાઓની સરખામણીએ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં સારી રહી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બાજી મારી હતી. આ વર્ષે મતદારોએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે તો બીજી માર્ચના રોજ થનારી મતગણતરી બાદ જ ખબર પડશે..

Next Story