Connect Gujarat
Featured

આણંદ : બોરસદના ડભાસી પાસે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, કર્યો હતો ચક્કા જામ!

આણંદ : બોરસદના ડભાસી પાસે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, કર્યો હતો ચક્કા જામ!
X

આણંદ જીલ્લાના બોરસદ તાલુકાનાં ડભાસી ગામના ગ્રામજનોએ છેલ્લા દસ વર્ષથી સિક્સ લેન હાઇવે પર ગરનાળાની માંગ નહીં સંતોષાતા આજે ચક્કા જામ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

આણંદ જીલ્લામાં આવતા બોરસદ તાલુકાનાં ડભાસી ગામના લોકો છેલ્લા દસ વર્ષથી હાઇવે પર ગરનાળાની માંગ કરી રહ્યા છે. ગામ નજીક પસાર થતાં સિક્સ લેન હાઇવે પર ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા અંડર બાયપાસની માંગ કરવામાં આવી હતી. જેને લઈને ઘણીવાર સરકારી અધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ માંગણી સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામજનોએ હાઇવે ચક્કા જામ કર્યો હતો. આજે હાઇવે ચક્કા જામ કરતાં પોલીસ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળ પર હજાર હતી. તે દરમિયાન કોઈ બાબતે મામલો બીચકતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાના વિડિયો સામે આવતા પોલીસ ગ્રામજનો પર લાઠી ચાર્જ કરતી નજરે પડી રહી છે.

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું, ગ્રામજનો છેલ્લા 10 વર્ષથી ગરનાળાની માંગ કરી રહ્યા હતા અને આજે પ્રદર્શનની જાહેરાત કરી ચક્કા જામનો કાર્યક્રમ રાખ્યો હતો. ખેડૂતોના પ્રશ્ને નહીં પરંતુ રસ્તા બાબતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતાર્યા હતા અને પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહી કરી રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. પથ્થર મારાની ઘટનામાં પોલીસ વાહનને નુકશાન પહોંચ્યું હતું. પોલીસે ટકરાવને નિયંત્રણમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, પોલીસના જવાનોએ ગ્રામજનો પર લાઠી ચાર્જ કર્યો હોવાના પણ દ્રશ્યો સામે આવતા તર્ક વિતર્ક સર્જાયા છે.

Next Story