Connect Gujarat
ગુજરાત

આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો

આણંદ: ખંભાતમાં પોલીસ ફાયરીંગમાં આધેડના મોતની ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો
X

આણંદ જિલ્લાના ખંભાતમાં જુથ અથડામણ દરમિયાન પોલીસના ગોળીબારમાં રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડનું મોત થયું હતું. મૃતકના પરિવારે હોબાળો મચાવતાં આખરે પોલીસે રાયોટીંગની સાથે હત્યાનો પણ ગુનો દાખલ કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી ગોળીબારની ઘટનાનું રીકન્સટ્રકશન કર્યું હતું.

ખંભાતના અકબરપુરમાં અગાઉની અદાવતમાં બે જૂથોના ટોળે ટોળા સામસામે આવી ગયાં હતાં અને પથ્થરમારો તેમજ આગજનીના બનાવો બન્યાં હતાં. ટોળાને વિખેરવા માટે પહેલાં ટીયરગેસના સેલ છોડાયાં હતાં પણ સ્થિતિ કાબુમાં ન આવી હતી. આખરે એલસીબીના પીઆઇ વિરાણીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક ગોળી રીકશામાં બેસવા જઇ રહેલાં આધેડને વાગતાં તેમનું મોત થયું હતું. ઘટના બાદ મૃતકના પરિવારે હોબાળો મચાવી ગોળીબાર કરનારા પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાની માંગ કરી હતી. આખરે પોલીસે ગોળીબારથી આધેડના મોતની ઘટનામાં કલમ 302 હેઠળ ફરિયાદ નોંધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા એફએસએલની ટીમે સ્થળ પર પહોંચી ગોળીબારની ઘટનાનું રીકન્સટ્રકશન કર્યું હતું. ફાયરીંગની ઘટનાની તપાસ માટે એસઆઇટીની પણ રચના કરાય છે. બીજી તરફ આ વિસ્તારમાં કેટલાક વેપારીઓએ દુકાનો ખોલતાં પોલીસે દુકાનો બંધ કરાવી હતી. હાલ પણ ખંભાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હોવાના કારણે જિલ્લાભરનો પોલીસ કાફલો સંવેદનશીલ વિસ્તારોમાં ખડકી દેવાયો છે.

Next Story