અંદમાનને મળી કનેક્ટિવિટીની ભેટ, પીએમ મોદીએ કહ્યું – એક પર્યટક સ્થળ તરીકે થશે ઓળખાણ

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા અંદમાન અને નિકોબારમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અંદમાન અને નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલની સોગાત આપી હતી. આ ફાઈબર કેબલ ચેન્નાઈથી પોર્ટ બ્લેર સુધીના દરિયાની નીચે નાખવામાં આવી છે, જેની મદદથી અંદમાનમાં ઇન્ટરનેટની ગતિ ઘણી ઝડપી થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં કહ્યું કે લગભગ દોઢ વર્ષમાં જ તેનું કામ પૂર્ણ કરી દેવાયું છે. 15 ઓગષ્ટની ઉજવણી પહેલા લોકો માટે આ એક ભેટ છે. મોદીએ કહ્યું કે સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો, કેબલ નાખવું અને તેની ગુણવત્તા જાળવવી સરળ નથી. તે વર્ષોથી જરૂરી હતું પણ કામ થઈ શક્યું નહોતું.

આજે જે ફાઈબર કેબલનું ઉદ્ઘાટન થશે તેનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ જ 2018માં કર્યો હતો. તે અંતર્ગત આશરે 2,300 કિમી લાંબો કેબલ ચેન્નાઈ-પોર્ટ બ્લેર વચ્ચે પાથરવામાં આવ્યો છે. જેને 1224 કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર કરાયો છે. આ કેબલ ચેન્નાઈથી થઈને સ્વરાજ દ્વીપ, લિટિલ આંદામાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ, રંગત સુધી પહોંચશે. તેના કારણે આંદામાન નિકોબારને ઝડપી ઈન્ટરનેટ સેવાનો લાભ મળી શકશે.

વડા પ્રધાને કહ્યું કે, કોરોના સંકટ પણ કામને પૂર્ણ થતા અટકાવી શક્યું નથી, દેશના ઇતિહાસ માટે અંદમાન સાથે જોડાવું અને કનેક્ટિવિટી આપવી દેશની જવાબદારી હતી. અમારો પ્રયાસ છે કે દેશના દરેક નાગરિકની દિલ્લી અને દિલથી જે અંતર છે તે દૂર કરવામાં આવે, દરેક વ્યક્તિને સુવિધાઓ પૂરી પાડવામાં આવે. મોદીએ કહ્યું કે, આ પ્રોજેક્ટની સાથે આંદામાનના લોકોને ઇઝ ઓફ લિવિંગની સુવિધા મળશે. સાથે જ ડિજિટલ ઇન્ડિયાના પણ તમામ ફાયદા મળશે.

પ્રોજેક્ટ અંગે પીએમએ કહ્યું હતું કે જો કનેક્ટિવિટી સારી રહેશે તો પ્રવાસીઓ ત્યાં લાંબો સમય રોકાશે, જેનાથી રોજગારની ઘણી તકો ઊભી થશે. સરકાર દ્વારા ટાપુ વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાને કહ્યું કે માત્ર ડિજિટલ ઇન્ડિયા જ નહીં પરંતુ સડક – વાયુ માર્ગને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. હવે મોટા વહાણોની મરામતની સુવિધા પણ આંદમાનમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here