Connect Gujarat
ગુજરાત

સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાએ અનીષા વાઘેલાને અમેરિકામાં શિક્ષણ લેવાની કરી આપી સરળતા

સરકારની વિદેશ અભ્યાસ લોન યોજનાએ અનીષા વાઘેલાને અમેરિકામાં શિક્ષણ લેવાની કરી આપી સરળતા
X

વડોદરાની અનીષા મુકેશભાઇ વાઘેલા શાળાકાળથી જ શિક્ષણમાં ખૂબ તેજસ્વી. વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગમાંથી કોમ્પ્યુટર ઇજનેરીની પદવી મેળવનારી અનીષાને કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ ત્રણ મલ્ટીનેશનલ કંપનીઓએ પસંદ કરી અને ઉંચા પગારની નોકરી ઓફર કરી. તેણે એક કંપની પસંદ કરી અને છ મહિના નોકરી પણ કરી.

જો કે અનીષાને કોમ્પ્યુટરના ક્ષેત્રમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની ઝંખના હતી અને અમેરિકાના કેલીફોર્નિયા રાજ્યની સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં તેનો પ્રવેશ પણ નિશ્ચિત થઇ ગયો અને આ અગત્યના સમયે જ રાજ્ય સરકારના વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિદેશ અભ્યાસ લોન યોજનાએ તેની વિદેશમાં શિક્ષણ મેળવવાની ઝંખના સાકાર કરવાનો માર્ગ મોકળો કર્યો.

આજે આ તેજસ્વીની કોમ્પ્યુટર ઇજનેરીમાં માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવીને ફરી એકવાર કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ વિશ્વખ્યાત એમેઝોન કંપનીની જોબ માટે પસંદ થઇ છે અને જુન-૨૦૧૯થી તેમાં સેવા આપી રહી છે. અનીષાને વડોદરાના શિક્ષણ વારસાને વિદેશમાં દીપાવવાની ધગશ હતી અને તેમાં રાજ્ય સરકારની અત્યંત ઉદાર વિદેશ અભ્યાસ લોન યોજના મદદરૂપ બની છે. આ યોજના હેઠળ આ દિકરીને ત્રણ હપ્તામાં રૂા. ૧૫ લાખનું ધિરાણ મળ્યુ છે અને અમેરિકામાં વેલ પ્લેસડ અનીષા હવે આ ધિરાણની પાઇ એ પાઇ પરત ચૂકવવા સજ્જ બની છે.

વિદેશ અભ્યાસ માટે વિવિધ બેંકો ધિરાણ આપે છે પરંતુ તેનો વ્યાજ દર ઘણો જ ઉંચો છે અને પ્રથમ હપ્તો ચૂકવાય તે સાથે જ વ્યાજ ચઢવા લાગે છે એવી લાગણી વ્યક્ત કરતા અનીષાના પિતાશ્રી મુકેશભાઇ વાઘેલાએ જણાવ્યું કે વિદેશમાં ભણવા માટેની રાજ્ય સરકારની ધિરાણ યોજના ૪ ટકા જેવા નજીવા વ્યાજના દરે ધિરાણ આપે છે અને વિદેશમાં અભ્યાસને સરળ અને સુગમ બનાવે છે. બેન્ક ધિરાણની સરખામણીમાં આ વિકલ્પ ખૂબ જ સોંઘો છે. તેઓ હવે આ યોજનાની જાણકારી જરૂરિયાતમંદ પરિવારોને આપી રહ્યાં છે. તેઓ કહે છે કે, આ ધિરાણ મેળવવાની પ્રક્રિયા સરળ છે અને અધિકારી-કર્મચારીઓનો મદદરૂપ થવાનો અભિગમ કામને વધુ સરળ બનાવે છે.

વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ત્રણ હપ્તામાં રૂા. ૧૫ લાખની લોન આપવામાં આવે છે એવી જાણકારી આપતાં વડોદરા ખાતેના નાયબ નિયામકશ્રી વાઘાણીએ જણાવ્યું કે, વાર્ષિક રૂા. ૧૦ લાખ સુધીની આવક ધરાવતા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પરિવારો તેમજ રૂા. ૪.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા આર્થિક પછાત વર્ગ (ઇબીસી) ના પરિવારો, સંતાનોને વિદેશમાં સ્નાતક-અનુસ્નાતકનું શિક્ષણ આપવા આ ધિરાણ મેળવી શકે છે. વિદેશી શિક્ષણ સંસ્થામાં પ્રવેશ નિશ્ચિત કરી આ લોન માટે સંપર્ક કરી શકાય છે. એક પરિવારમાંથી એક જ વ્યક્તિ માટે આ ધિરાણ મળવાપાત્ર છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય. રાજ્ય સરકારની યોજના આ કહેવતને સાચી ઠેરવે છે અને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવાના જેમના ઇરાદા મક્કમ છે એમને માળવે (વિદેશ) જવાની સરળતા કરી આપે છે.

Next Story