આંકલાવ તાલુકાના ઉમેટા ગામે આવેલી કન્સ્ટ્રક્શન કંપનીના અમદાવાદમાં રહેતા અને સીએની ઓફિસમાં કામ કરતાં એક યુવાને પોતાના મિત્રની મદદથી દસ્તાવેજો સાથે ચેડાં કરીને ઈમેલ આઈડી પોતાના નામે કરી લઈને ઓટીપી મેળવી ૧૭.૯૪ કરોડ ઉપરાંતનું જીએસટીનું ટ્રાન્ઝેક્શન બતાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ઉમેટા ખાતે રહેતા અલ્લારખાભાઈ વ્હોરાની પત્ની શીરીનબાનુએ એટલાન્ટા ઈન્ફા નામની કન્સ્ટ્રક્શન કંપની તારીખ 18મી જુલાઇ ૨૦૧૮થી શરૂ કરી હતી. અને કંપનીને સરકારના નિયમો અનુસાર જીએસટી નંબર મેળવવા તેમજ તેને લગતું કામકાજ કરવા માટે તેમના માહિતગાર સીએ અનિલભાઈ બ્રહ્મક્ષત્રિયને મળ્યા હતાં. અને કંપનીના તમામ ડોક્યુમેન્ટ તેમને આપ્યા હતા. અનિલભાઈએ તેમની ઓફિસમાં કામ કરતાં અને અમદાવાદમાં રહેતાં દર્શિક ચન્દ્રકાન્ સોલંકીને કામ આપ્યું હતુ. તારીખ 7મી ઓગષ્ટ 2019ના રોજ કંપનીના જીએસટી નંબર ઉપર ૧૭.૯૪ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન બતાવતું હોવાની નોટિસ અનિલભાઈને મળતાં ચોંકી ઊઠ્યા હતા.જેથી તેમણે તપાસ કરતાં દર્શિક અને કરણ પટેલે ભેગા મળીને તેની પાસે રહેલા કંપનીના દસ્તાવેજોના આધારે તેમાં છેડછાડ કરીને કંપનીનો લોગ-ઈન આઈડી અને મેઈલ આઈડી પરથી મોબાઈલમાં ઓટીપી મેળવીને ખોટી રીતે ફ્રોડ કરીને ઉક્ત રકમનું જીએસટી ટ્રાન્જેક્શન બતાવ્યું હતુ.
GST નંબરનો દુરુપયોગ કરી અન્ય કંપનીઓ સાથે આર્થિક વ્યવહારો કરી દીધાની જાણ ફરિયાદી ને થતા ફરિયાદી દ્વારા સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ આંકલાવ પોલીસ મથકમાં આપવામાં આવતા પોલીસે સમગ્ર કેસની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે અને જાહેર જનતા અને વેપારીઓ ને પોતાના GST નંબરો અને એટીએમના નંબરો ગમે તે વ્યક્તિ સાથે શેર નહિ કરવાની અપીલ કરી છે.