Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 7 વર્ષનાં બાળકને ફટાકડાની લાલચે ઉપાડી જવાનો પ્રયત્ન કરતો યુવાન ઝડપાયો

અંકલેશ્વરઃ 7 વર્ષનાં બાળકને ફટાકડાની લાલચે ઉપાડી જવાનો પ્રયત્ન કરતો યુવાન ઝડપાયો
X

પિરામણ વિસ્તારમાં રહેતા પરિવારનાં બાળકને ઉઠાવી જતાં રેલવે સ્ટેશને બાળક પોલીસ પાસે પહોંચી જતાં છૂટકારો થયો.

અંકલેશ્વરનાં પીરામણ વિસ્તારમાં રહેતા પરિવારનાં સાત વર્ષનાં બાળકને એક શખ્સે ફટાકડા અપાવવાની લાલચ આપી લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બાળકને ગાલ ઉપર તમાચા મારી રેલવે સ્ટેશન ખાતે લઈ આવ્યો હતો. જ્યાં બાળક રેલવે પોલીસ પાસે પહોંચી જતાં આખરે રેલવે પોલીસે બાળકને લઈને ભાગી રહેલા યુવકની અટકાયત કરી છે. જ્યારે બાળકને પરિવાર સાથે પરત મોકલી આપ્યું હતું.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરનાં પીરામણ વિસ્તારમાં રહેતા શ્રીપાલ તેજરાજ જૈન જેઓ ધંધો કરીને પરિવાનું ગુજરાન ચલાવે છે. ગત રોજ તેમનાં પરિવારનો સાત વર્ષનો દીકરો કવિ બપોરનાં સમયે રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયો હતો. પરિવારને પુત્ર ગુમ થયાની જાણ થતાં આશપાસમાં શોધખોળ હાથ ધરી હતી. આસપાસમાં પુત્રની કોઈ ભાળ નહીં મળતાં પરિવાર ચિંતિત બન્યો હતો.

બાદમાં અંકલેશ્વર રેલવે પોલીસ મથકમાંથી પરિવાર ઉપર ફોન આવ્યો હતો. જેમાં રેલવે પોલીસે જણાવ્યું કે તમારો પુત્ર અહીં સુરક્ષિત છે. આવીને લઈ જાઓ. બાદમાં કવિ રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરતાં એક શખ્સ તેને ફટાકડા આપવાની લાલચે લઈને આવ્યો હતો. કવિને માર મારીને રેલવે સ્ટેશન ખાતે લઈ આવ્યો હતો. જ્યાં કવિ પોલીસને જોઈ જતાં પોલીસ પાસે દોડી આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. બાળકે જણાવેલી હકીકતનાં આધારે પોલીસે અનિલ અરવિંદ વસાવા નામનાં શખ્સની અટકાયત કરી હતી. અને 7 વર્ષનાં બાળક કવિને પરિવારને સોંપી દીધો હતો. બાળકને ઉઠાવી જનાર શખ્સ અનિલે કયા કારણોસર તેને ઉઠાવી જવાનો પ્રયત્ન કર્યો તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

Next Story