Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ વન વિભાગે બીગ બઝારમાંથી ખરીદેલા બિસ્કિટ નીકળ્યા અખાધ્ય

અંકલેશ્વરઃ વન વિભાગે બીગ બઝારમાંથી ખરીદેલા બિસ્કિટ નીકળ્યા અખાધ્ય
X

વન વિભાગનાં અધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી બીગ બઝાર સામે કાર્યવાહી કરવા માંગ કરી

અંકલેશ્વર વન વિભાગ દ્વારા હાલમાં વન મહોસ્તવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વન મહોત્સવમાં વિવિધ સામાજીક સંસ્થાઓ અને શાળાઓનાં બાળકો જોડાઈ રહ્યા છે. ઠેર ઠેર થઈ રહેલા વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમમાં ભાગ લેતા શાળાના બાળકોને બાળકોને નાસ્તો-ચોકલેટ આપવામાં આવે છે. ત્યારે વન વિભાગે બાળકોને આપવા માટે ભરૂચ સ્થિત બીગ બજારમાંથી બિસ્કિટની ખરીદી કરવામાં આવી હતી. જે ખરીદાયેલા બિસ્કીટ ગુણવત્તાયુક્ત ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે વન વિભાગ દ્વારા લેખિતમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે.

અંકલેશ્વરમાં તાજેતરમાં યોજાયેલા વન મહોસ્તવમાં શાળાના બાળકોને આપવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા બીગ બજારમાંથી બિસ્કીટના ૨૪૭ જાર ખરીદવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક બિસ્કીટ ૧૦ મહિના જુના હોવાનું સામે આવ્યું હતું. તો કેટલાક પેકેટની એક્સ્પાઈરી ડેટ પણ નજીક હતી. ત્યારે આ બિસ્કીટ આરોગવાને લાયક પણ ન હોવાના વન વિભાગના અધિકારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. મલ્ટી નેશનલ બીગ બજારના આવા વલણ સામે વન વિભાગ દ્વારા કલેકટર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

બીગ બઝારમાંથી ખરીદી કરેલા બિસ્કીટના જથ્થા અંગે વન વિભાગનાં અધિકારીઓએ બીગ બઝારનાં જ વિવિધ સ્તરે રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ તેમની ગ્રિવન્ડને રિડ્રેસ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેની જાણ થતાં ફરીથી વન વિભાગનાં અધિકારીઓએ બીગ બઝારનાં સત્તાધિશોનો સંપર્ક કરતાં તેમણે યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતાં આખરે જિલ્લા કલેક્ટરને કાર્યવાહીકરવા માટે લેખિત ફરિયાદ આપી હોવાનું વન વિભાગનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

Next Story