Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં ઉદ્યોગોને દિવાળીમાં કેમ પડે છે તકલીફો? જાણો શું છે તેનું કારણ

અંકલેશ્વરનાં ઉદ્યોગોને દિવાળીમાં કેમ પડે છે તકલીફો? જાણો શું છે તેનું કારણ
X

ઉદ્યોગોમાં કામદાર તરીકે ઉત્તર ભારતીયો હોય છે જેઓ છઠ પૂજા કરવા વતન જતાં પરત આવવામાં થાય છે મોડું

આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોમાં આવેલી મધ્યમ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝને મોટાપાયે શ્રમિકોની ખોટ પડતી હોય છે. તો આવા સંજોગોમાં મોટા ઉદ્યોગોને કોઈ મોટી અસર રહેતી નથી. પરંતુ દિવાળી પછી વિદેશોમાંથી કંપનીઓને મળતાં વિવિધ ઓર્ડર ખૂબ ઓછા થઈ જતા હોય છે. જેના કારણે દિવાળીથી શરૂ થતી અસર છેક ક્રિસમસ અને તેના પછી ન્યૂ યર સુધી વર્તાતી હોય છે. આવા સંજોગોમાં ખાસ કરીને નાના ઉદ્યોગોને ઓર્ડર નહીં મળવાનાં કારણે મોટો ફટકો પડતો હોય છે.

ભારતમાં જેમ દિવાળી પર્વનું મહત્વ છે તેવી જ રીતે અન્ય દેશોમાં ક્રિસમસનું પર્વ વધુ મહત્વ ધરાવતું હોય છે. વળી ડિસેમ્બર મહિનામાં વેકેશનનો માહોલ ચાલતો હોય છે. જેથી ઉદ્યોગોને ઓર્ડર નહીં મળવાને કારણે ઉદ્યોગોને વ્યાપક અસર થતી હોય છે. જે અસર દિવાળીથી જ થોડા થોડા અંશે શરૂ થઈ જતી હોય છે. તો બીજી તરફ ઉત્તર ભારતીય પરિવારો માટે છઠ પૂજા અતિ મહત્વ ધરાવતી હોવાથી મોટા ભાગે ઉત્તર ભારતીયો પોતાનાં વતનમાં જઈને આ પર્વને ઉજવવાનું વધારે પસંદ કરે છે. આા સંજોગોમાં અંકલેશ્વરનાં ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો વતન જતા હોવાથી ઉત્પાદન અને પેકેજિંગ કંપનીઓને વ્ાપક અસર જોવા મળે છે.

આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીઝમાં દિવાળી દરમિયાન બે થી ત્રણ દિવસની રજા હોય છે. જે વર્ષો જૂની પરંપરા છે. લોકો પણ તહેવારમાં ઘરે જતા હોવાથી ત્રણેક દિવસનો વેકેશનનો માહોલ વર્તાય છે.

અંકલેશ્વરનાં ઉદ્યોગકાર પ્રવિણ તેરૈયાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરમાં મોટાભાગે કેમિકલ ઉદ્યોગો વધારે આવેલાં છે. આ ઉદ્યોગોમાં બહારથી કામદારો કામ કરવા માટે આવતા હોય છે. તેઓ પણ પોતાનાં વતનીમાં દિવાળીનો તહેવાર મનાવવા જતા હોય છે. જે એવા રાજ્યો છે કે ત્યાં લાભ પાંચપ પછી આવતી છઠ પૂજાનું અનેરૂં મહત્વ હોય છે. એટલા માટે જ કામદારો છઠ પુજા મનાવવા માટે વતનમાં જતા હોય છે. પરંતુ તેમને પર આવવા માટે ટ્રેનની કનેક્ટીવીટી ઘણી વખત નહીં મળવાને કારણે તેઓ વધુ એકાદ સપ્તાહ મોડા આવતા હોય છે. જેથી દિવાળી વેકેશન લંબાઈ જતું હોય છે. કામદારો સમયસર નહીં આવી શકતાં કંપનીનાં પ્રોડક્શન ઉપર અસર વર્તાય છે. અને તેના કારણે ઉદ્યોગકારોને દિવાળી વેકેશન આર્થિક રીતે નુકશાન કારક રહેતું હોય છે.

ઉદ્યોગોને કર્મચારીઓનાં પગાર અને બોનસની ગોઠવણમાં થઈ શકે અગવડતા સામાન્ય રીતે ઉદ્યોગોમાં કર્મચારીઓ અને કામદારોનાં પગારની સાયકલ દર મહિને 7થી 15 તારીખની વચ્ચે રહેતી હોય છે. આવા સંજોગોમાં આ વખતે દિવાળી મહિનાની શરૂઆતમાં હોવાથી ઉદ્યોગકારોને કર્મચારીઓનાં પગાર અને બોનસના નાણાંની વ્યવસ્થામાં અગવડતા પડવાનાં એંધાણ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

Next Story