Connect Gujarat
Featured

અંકલેશ્વર : જુના દિવાના ખેડુતોએ એકસપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી, જુઓ શું છે તેમનો રોષ

અંકલેશ્વર : જુના દિવાના ખેડુતોએ એકસપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી, જુઓ શું છે તેમનો રોષ
X

ભરૂચ જિલ્લામાં હાલ વડોદરા –મુંબઇ એકસપ્રેસ હાઇવે, બુલેટ ટ્રેન તથા રેલવેના ફ્રેટ કોરીડોરની કામગીરી ચાલી રહી છે. વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે માટે સંપાદિત કરવામાં આવતી જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. વળતર બાબતે ખેડુતોની અનેકવારની રજુઆત છતાં કામગીરી શરૂ કરવામાં આવતાં શુક્રવારે જુના દિવા ગામના અસરગ્રસ્ત ખેડુતોએ એકત્ર થઇ કામગીરી અટકાવી દીધી હતી.

રાજય તથા કેન્દ્ર સરકાર વિવિધ પ્રોજેકટ માટે ખેડુતોની ખેતીલાયક જમીન સંપાદિત કરી રહી છે પણ દરેક ગામમાંથી જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું નહિ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડુતો યોગ્ય વળતરની માંગ સાથે અનેક વખત આવેદનપત્રો આપી ચુકયાં છે પણ નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ ખેડુતોની માંગણીઓ સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરતાં નથી. અગાઉ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હોવા છતાં કોઇ પગલાં ન ભરાતાં ખેડુતોમાં રોષ ફેલાયો છે. આજે શુક્રવારના રોજ અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના ખેડુતોએ કામગીરી અટકાવી દીધી હતી. તેમણે સરકારના નવા અધિનિયમ મુજબ વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે. જો યોગ્ય વળતર આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story