Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ દેવું વધી જતા મકાન વેચ્યું, વેપારીએ વેચેલા ઘરમાં જ આપઘાત કર્યો

અંકલેશ્વરઃ દેવું વધી જતા મકાન વેચ્યું, વેપારીએ વેચેલા ઘરમાં જ આપઘાત કર્યો
X

ગારમેન્ટના વેપારી દેવું વધી જતાં મકાન વેચીને પરિવાર સાથે ભાડાનાં મકાનમાં રહેવા ગયા હતા

અંકલેશ્વરમાં ગારમેન્ટનો વ્યવસાય કરતા રાજસ્થાનના વેપારીએ દેવું વધી જતાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવાર સાથે ભાડા મકાનમાં રહેતા વેપારીએ દુકાને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પોતે જ વેચેલા મકાનમાં જઈને આપઘાત કરી લેતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. દેવું વધી જતા પોતાનું મકાન પણ વેચી દીધું હતું. આપઘાત કરતાં પૂર્વે લખેલી ચિઠ્ઠીમાં દેવાનો ઘટસ્ફોટ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે અન્ય એક નોટબુક પણ જપ્ત કરી છે જેમાં 3 થી 4 વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું સામે આવ્યું છે.

અંકલેશ્વરનાં ચીકુવાડી વિસ્તારમાં ગોવર્ધન માંગીલાલ સુથાર નામના રાજસ્થાની વેપારીએ પોતાનું ઘર ખરીધ્યું હતું. પોતે રેડીમેન્ટ ગારમેન્ટના વેપાર સાથે સંકળાયેલા હતા. જોકે માર્કેટમાં દેવું વધી જતાં તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું અને પરિવાર સાથે ભાડાના મકાનમાં રેહવા ગયા હતા. તેઓ દુકાને જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. માથે દેવું વધતું જ જતાં આખરે તેઓએ પોતે વેચેલા ઘરમાં જ દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેધી હતી. આ અંગે સ્થાનિક રહીશોએ પરિવાર તેમજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ ચિઠ્ઠી લખી હતી. જે પોલીસને હાથ લાગી છે. બાદમાં પોલીસે પરિવારજની પૂછપરછ કરતાં પરિવારે એક નોટ બુક પોલીસને આપી હતી. જેમાં કોની પાસેથી પૈસા લીધા હતા અને કોને આપવાના હતા તેનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નોટબુકમાં 3 થી 4 વ્યક્તિના નામોનો ઉલ્લેખ હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસે નોટબુક અને સુસાઈડ નોટમાં લખેલું લખાણ મૃતકે જાતે જ લખ્યું છે કે કેમ તેની તપાસ માટે હેન્ડ રાઈટિંગ એક્ષ્પર્ટની પણ મદદ લેવાની તજવીજ આરંભી હતી.

Next Story