અંગ્રેજોએ આજના દિવસે એટલે કે 7 ડિસેમ્બર 1877ના રોજ ભરૂચનાં ગોલ્ડન બ્રિજનો પાયો નાંખ્યો હતો

ભરૂચ-અંકલેશ્વરને જોડતા ધોરી નસ સમાન ગોલ્ડન બ્રિજનો આજથી 141 વર્ષ પહેલાં આજનાં દિવસે તેનો પાયો નાંખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં નર્મદા નદી પર અંગ્રેજોએ બનાવેલો પોલાદનો આ બ્રિજ છે. 7 ડિસેમ્બર 1877ના રોજ  સર જોન હોક્શોની રુપરેખા મુજબ આ બ્રિજને તૈયાર કરવાની શરૂઆત થયી હતી. જે બાદમાં 16 મે 1881ના દિવસે સંપૂર્ણ પણે બનીને તૈયાર થઈ ગયો હતો. આ બ્રિજ બનાવવા માટેનો તે સમયનો કુલ ખર્ચ રૂપિયા 45,65,000 થયો હતો. આ બ્રિજમાં રીવૅટૅડ જોઈન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોલ્ડન બ્રિજ જ્યારે નિર્માણ પામ્યો ત્યારે તેની આવરદા માત્ર 125 વર્ષની નક્કિ કરવામાં આવી હતી. જોકે 137 વર્ષ થવા છતાં તેમાં કોઈ ઉણપ ન આવતાં વાહન વ્યવહાર માટે યથાવત રહ્યો છે.

ભરૂચ-અંકલેશ્વરને જોડતા આ બ્રિજ ઉપરથી વર્ષો પહેલાં જૂનો નેશનલ હાઈવે નંબર 8 પસાર થતો હતો. જોકે ભરૂચ શહેરનો વિકાસ અને વિસ્તરણનાં પગલે ઝાડેશ્વર તરફથી હાઈવે પસાર કરવામાં આવ્યો. આ બ્રિજ અપૂરતી જાળવણીને કારણે તેના પર કાટ ચડવા લાગ્યો છે. આ બ્રિજ હાલમાં ફક્ત નાના વાહનો માટે જ વપરાય છે. તેને નર્મદા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના થાંભલાઓ તો આવતા જતા વાહનો માટે બેવડી લાઈન માટે નંખાતા હતા. પણ ઉપરનો ભાગ માત્ર એક રેલવેની અવરજવર માટેનો 14 ફૂટ પહોળો હતો. જેના ઉપર વર્ષ 1860માં રેલવેના પાટા નાખવાનું કાર્ય શરુ થયેલું. તેની સાથેસાથે આ બ્રિજ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.

વર્ષ 1935 માં નવો પુલ “સિલ્વર જ્યુબીલી બ્રિજ” બંધાયા પછી આ જૂનો પુલ જાહેર બાંધકામ ખાતાએ પોતાના હસ્તક લઈ લીધો અને ૧૯૪૩માં વાહન વ્યવહાર બદલી નાંખવામાં આવ્યો હતો. 1949 માં એ પુલનું સમારકામ કરી સગવડવાળો બનાવવા પાછળ 84 (ચોર્યાશી) લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો.

બીજા વિશ્વયુધ્ધ વખતે જૂનો પુલ તોડી એના લોખંડની સારી એવી કિંમત ઉપજી જાય તેમ હતી. પરંતુ દક્ષિણ ગુજરાતને વાહન વ્યવહાર દ્વારા જોડનારો આ સાંકળરૂપ પુલ સિવાય બીજો કોઈ માર્ગ ન હોવાથી જિલ્લા લોકલ બોર્ડે અને ભરૂચ જિલ્લાની પ્રજાએ સભાઓ બોલાવી ભારે રજુઆતો કરી આ પુલ ‘સ્ક્રેપ અપ’ થતા અટકાવ્યો હતો.

LEAVE A REPLY